છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ કરવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે તેવી તેઓની માગ છે. ઉમેદવારોએ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે અનેક રસ્તાઓ અપનાવ્યા. ટ્વિટર પર મુહિમ ચલાવી, સત્યાગ્રહ છાવણી પર સત્યાગ્રહ કરવાના હતા પરંતુ તે પહેલા તેમની અટકાયત થઈ ગઈ હતી. ઉમેદવારોમાં આક્રોશ એ હદે વધી ગયો છે કે શિક્ષણમંત્રી જ્યારે પણ કોઈ ટ્વિટ કરે છે તો તેમાં ઉમેદવારો કાયમી ભરતીની માગ કરતા દેખાય છે.
ફરી શિક્ષણમંત્રીની ટ્વિટની રિપ્લાયમાં ઉઠ્યો કાયમી ભરતીનો મુદ્દો
થોડા સમય પહેલા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક પોસ્ટ શેર કરી હતી જેમાં સરકારી યોજનાનો લાભ લઈ અંતરિયાળ વિસ્તારમાં રહેતો યુવક વિદેશમાં ભણવા જવાનો હતો. એ પોસ્ટમાં પણ ઉમેદવારોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કાયમી ભરતી કરવામાં આવે તેવી માગના અનેક રિપ્લાય તેમની પોસ્ટ પર જોવા મળ્યા હતા. ત્યારે આજે ફરી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યા છે કે કોઈ પણ રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષા જરૂરી છે. કારણ કે સારી શિક્ષા આપણી વિચારક્ષેણી, સભ્યતાને પ્રભાવિત કરે છે.
ટ્વિટ પર TET-TATના ઉમેદવારોએ ઠાલવ્યો રોષ
આ વીડિયો પોસ્ટ થતાં જ TET-TATના ઉમેદવારોએ કાયમી ભરતી માટેની માગ કરતી પોસ્ટ કરવાની શરૂ કરી. ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા લોકોએ લખ્યું કે ઓર શિક્ષા કે લીયે સ્થાયી શિક્ષકભી જરૂરી હે.. યે રહ ગયા સાહબજી. તો કોઈએ લખ્યું કે કાયમી શિક્ષકોની ભરતી કરો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બંધ કરો. તો કોઈએ લખ્યું મારીમરજી. તો પ્રતિક્રિયા આપતા કમેન્ટ કરી ગુજરાતનાં શિક્ષકોનું ભવિષ્ય ડૂબતું મૂકીને નવી શિક્ષણ નિતિની ઉજવણી કરી રહ્યા છો? સંવેદનહીન વ્યક્તિત્વ ધરાવો છો આપ....