ગુજરાતમાં શિક્ષકોની કરાર આધારિત ભરતી નહીં પરંતુ કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તેવી વાત ઉમેદવારો કહી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નથી. અલગ અલગ માધ્યમથી ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે પણ અલગ અલગ જગ્યાઓ પર આંદોલન કરવામાં આવ્યા હતા. તાપીમાં શિક્ષકોની કાયમીભરતી કરવામાં આવે તેવી માગ સાથે ઉમેદવારો ગયા હતા અને જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચારી હતી.
રજૂઆત કરવા જતા ઉમેદવારોને અટકાવી દેવાતા
ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી એક જ માગ કરી રહ્યા છે કે કાયમી ભરતી કરવામાં આવે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ દરેક વખતે તેઓ નિષ્ફળ ગયા હતા. તેમની વાત સાંભળવામાં આવી નહીં. પીએમ સુધી તેમણે પોતાની વાત રજૂ કરી. પરંતુ તેમની માગ હજી સુધી ત્યાંની ત્યાં જ છે. મુખ્યમંત્રીને પણ અનેક વખત રજૂઆત કરવા ગયા પરંતુ તેમને અટકાવી દેવાતા હતા.
હનુમાનજીને પત્ર લખી વ્યક્ત કરી વ્યથા
અનેક સમય વીતિ ગયો હોવા છતાંય કોઈ નિરાકરણ નથી આવ્યું જેને લઈ ઉમેદવારોમાં રોષ ભરાયો છે. આંદોલન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. અમદાવાદ ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હનુમાનજીને પત્ર લખી ટેટ-ટાટના ઉમેદવારોએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. રામ ધૂન પણ ઉમેદવારોએ બોલાવી હતી. હવે જોવું રહ્યું કે આ આંદોલન કઈ દિશામાં આગળ વધે છે.