અમેરિકામાં હાલમાં એક જોક્સ ખુબ વાઇરલ થઈ રહ્યો છે કે , જેમ કંપનીમાં ફોઉંડરની સાથે એક કોફાઉન્ડર હોય છે તેમ અમેરિકામાં જેમ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમ તેમની સાથે એક કો પ્રેસિડન્ટ એલોન મસ્ક છે . પરંતુ હવે અમેરિકા અને યુરોપના કેટલાય ભાગોમાં એલોન મસ્કનો વિરોધ થઈ રહ્યો છે જેના લીધે તેમની ટેસ્લા કંપનીના શેરોમાં પણ કડાકો આવ્યો છે સાથે જ ટેસ્લાની કારના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે . સમગ્ર વિશ્વમાં હાલમાં એક ઉદ્યોગપતિ જેમનું નામ છે ઈલોન મસ્ક તેમનું નામ ખુબ જ ચર્ચામાં છે. ઈલોન મસ્ક ટેસ્લા , સ્પેસએક્સ , ન્યુરાલિંક , ધ બોરિંગ જેવી અગ્રણી કંપનીઓના સ્થાપક અથવા તો સહ:સ્થાપક છે . જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ફરી એકવાર રાષ્ટ્રપતિ પદે પાછા ફર્યા છે તે પછી તેમને આ નવી સરકારમાં નવા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીસીયંસીના વડા પણ બનાવવામાં આવ્યા છે. તો હવે જાણીએ કેમ ઈલોન મસ્કનો અમેરિકા અને યુરોપમાં વિરોધ થઇ રહ્યો છે ?
પહેલું તો , ઈલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપની દક્ષિણપંથી પાર્ટીઓને સમર્થન આપ્યું છે, જેના કારણે ઘણા લોકોમાં નારાજગી વધી છે. યુરોપમાં, ખાસ કરીને જર્મની અને ફ્રાન્સ જેવા દેશોમાં, જ્યાં નાઝી-વિરોધી ભાવના મજબૂત છે. મસ્કના નિવેદનો અને સમર્થનને નેગેટિવ રીતે જોવામાં આવે છે. આના પરિણામે, ટેસ્લાના વાહનો પર હુમલા અને બોયકોટના કેસો સામે આવ્યા છે. બીજું , અમેરિકામાં, મસ્કના નેતૃત્વમાં બનેલા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) દ્વારા સરકારી ખર્ચમાં કપાતની નીતિઓને કારણે વિવાદ ઊભો થયો છે. હવે આપને જણાવી દયિકે , આ DOGE ખાતું અમેરિકામાં બ્યુરોક્રેસી એટલેકે , નોકરશાહના પ્રભુત્વને ઓછું કરવાનું કામ કરી રહ્યું છે . જેના કારણે , યુએસ સરકારના અધિકારીઓમાં તેમનો વિરોધ છે જ . આપણા ત્યાં નોકરશાહ એટલે , આઈએએસ, આઇપીએસ અધિકારીઓ . ઉપરાંત એલોન મસ્ક તેમના આ પદનો ઉપયોગ પોતાની કંપનીઓ સ્પેસએક્સ અને ટેસ્લાને ફાયદો કરાવવા માટે કરી રહ્યા છે. ત્રીજું , ઈલોન મસ્કના વિવાદાસ્પદ ટ્વીટ્સ અને નિવેદનો જેમ કે ટેસ્લાના સાયબરટ્રક પર સ્વસ્તિક ચિત્રની ઘટના પર તેમની પ્રતિક્રિયા, લોકોના ગુસ્સાને વધુ ભડકાવે છે. આવા નિવેદનોને અહંકારી અને અસંવેદનશીલ ગણવામાં આવે છે. આ જ વિરોધના લીધે ટેસ્લાના શેરોમાં ૪૫ ટકાનો જોરદાર કડાકો જોવા મળ્યો છે .
હવે જાણીએ કે કઈ રીતે ટેસ્લાની કારોના વેચાણમાં ઘટાડો આવ્યો છે . ફેબ્રુઆરી મહિનામાં જર્મનીમાં ટેસ્લાની કારોના વેચાણમાં ૭૬ ટકા , ફ્રાન્સમાં ૪૫ ટકા , નેધરલેન્ડમાં ૨૪ ટકા , સ્વીડનમાં ૪૨ ટકા , નોર્વે અને ડેન્માર્કમાં ૪૮ ટકા , પોર્ટુગલમાં ૫૩ ટકા , સ્પેનમાં ૧૦ ટકાનો વેચાણમાં કડાકો જોવા મળ્યો છે. આટલુંજ નહિ હવે યુરોપની બહાર પણ ટ્રેન્ડ આ જ છે જેમ કે , ઓસ્ટ્રેલિયામાં ટેસ્લાની કારોમાં ૭૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. વાત કરીએ અમેરિકાની તો ત્યાંના કેલિફોર્નિયા રાજ્યમાં ૧૨ ટકાનો વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. યુરોપ કેમ ટેસ્લા માટે ખુબ મહત્વનું છે તો તેનું કારણ એ છે કે , યુરોપ અમેરિકા પછી ટેસ્લાનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે. યુરોપમાં કલાયમેટ ચેંન્જને લઇને જે જાગૃતિ આવી છે તેના કારણે તેના લોકોમાં ઇલેક્ટ્રિક વ્હેહિકલ ખરીદવાનું ચલણ વધારે છે .
ટેસ્લાના રોકાણકારોમાં એ પણ ચિંતા છે કે , તેમનો આ રાજકીય પ્રેમ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની નિકટતા તેમને ટેસ્લાના વ્યાપારથી વિમુખ કરી શકે છે. જોકે થોડાક સમય પેહલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ટેસ્લાની કાર ખરીદવાની પણ વાત કરી હતી . હવે ટેસલાનો માર્કેટ શેર ચાઈનીઝ ઈલેકટ્રીક કાર બનાવતી કંપની બીવાયડીના લીધે ઓછો થઇ રહ્યો છે. અન્ય કંપનીઓ જેવી કે વોલ્ક્સવેગન , બીએમડબલ્યુ અને રેનોલ્ટએ તેના ઇલેકટ્રીકલ વેહીકલના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી નાખ્યો છે. જોકે હવે ટેસ્લાને એક જ દેશ પાસે આશા છે તે છે ભારત . હમણાં થોડાક સમય પેહલા એલોન મસ્ક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે અમેરિકામાં મુલાકાત થઈ હતી. વાત કરીએ ટેસ્લાની , તેનો પેહલો શોરૂમ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલી ચુક્યો છે. દિલ્હીમાં ટેસ્લાનું બીજો શોરૂમ ખુલી શકે છે. તો હવે જોઈએ કે , ભારતમાં ટેસ્લાની ગાડીઓ કેટલી સફળતા મેળવી શકે છે .