અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોએ પોતાનો જીવ અકસ્માત થતા ગુમાવ્યો છે. ઘરેથી નીકળેલો માણસ પરત જીવતો ઘરે આવશે કે નહીં તેની ખબર નથી હોતી. આજે એટલે મંગળવારે એટલા બધા અકસ્માત થયા કે અનેક જીંદગીઓએ પોતાના અંતિમ શ્વાસ લીધા. રાજ્યમાં સર્જાયેલા અકસ્માતમાં 9 જેટલા લોકોના મોત થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં અનેક લોકો એક જ પરિવારના છે તેવી માહિતી સામે આવી છે. જીંદગીનો કોઈ ભરોસો નથી રહ્યો. કોણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લેશે તેની જાણ નથી.
અલગ અલગ અકસ્માતોમાં થયા 11 લોકોના મોત!
રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક ઘટના દાહોદમાં બની છે જ્યારે બીજા ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. દાહોદમાં સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે સુરેન્દ્રનગરમાં સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. આ ગંભીર અકસ્માતોમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે. જામનગરમાં પણ અકસ્માત સર્જાયો હોય તેવી માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.
સુરેન્દ્રનગરમાં બે ગાડી વચ્ચે થઈ ટક્કર
સુરેન્દ્રનગરમાં સર્જાયેલા અકસ્માતની વાત કરીએ તો લખતરના ઝામર ગામ નજીક આઈસર અને સેન્ટ્રો કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે ત્રણ લોકોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા. આ અંગે મળતી માહિતી અનુસાર બાધા પૂરી કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
દાહોદમાં ટ્રક અને રિક્ષા વચ્ચે થઈ ભયંકર ટક્કર
બીજો એક ગંભીર અકસ્માત દાહોદમાં બન્યો છે. દાહોદમાં અકસ્માત બે ગાડીઓ વચ્ચે નહીં પરંતુ ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ગરબાડાના અલીરાજપુર હાઈવે પરના પાટિયાઝોલ તળાવ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. સારવાર અર્થે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં જેટલા લોકોના મોત થયા છે તેઓ એક જ પરિવારના હોય તેવી માહિતી સામે આવી છે.
રિક્ષામાં ભરવામાં આવે છે હદથી વધારે પેસેન્જરો!
આ અકસ્માત લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે એક રિક્ષામાં આટલા બધા લોકોને બેસાડાઈ જ કેવી રીતે શકાય? એક રિક્ષામાં 6થી વધારે લોકો બેઠા હતા. અનેક વખત એવા દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેને જોઈ આપણે કહેતા હોઈએ છીએ કે ઘેંટા બકરાની જેમ લોકોને ભરવામાં આવે છે. વધારે પૈસા કમાવવાની લાલચમાં રિક્ષાચાલકો લોકોના જીવનને દાવ પર લગાવે છે. બાળકોના આવા દ્રશ્યો પણ આપણી સામે આવતા હોય છે જેમાં સ્કૂલ રિક્ષામાં બાળકોને ઠૂસી-ઠૂસીને ભરવામાં આવે છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?