ફેબ્રુઆરી મહિનામાં જ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આ વખતે જેમ શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો તેવી જ રીતે આ ઉનાળો પણ આકરો રહેવાની આશંકા સેવાઈ રહી છે. રાજ્યના અનેક સ્થળો પર તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું અને એ સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.
બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ
આ વખતે ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. આ વર્ષે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો ત્યારે આ વખતનો ઉનાળો પણ આકરો રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું હતું. આ અનુમાન સાચું સાબિત થઈ રહ્યું છે. ફ્રેબુઆરીમાં જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું
રાજકોટનું તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું હતું, અમદાવાદમાં 37.2 ડિગ્રી, કંડલામાં 37.6 ડિગ્રી, સુરતમાં 37.8 ડિગ્રી, વલસાડમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં એકાએક ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધુ ઉચકાઈ શકે છે અને ભારે તડકાનો અનુભવ થઈ શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. પહેલી વાર એવું બની રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી પડી રહી છે.