દેશભરમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ડિસેમ્બર 2022માં નજીવી વધી છે. દેશમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા વધીને 117.03 કરોડ થઈ હતી. ફિક્સ લાઇન કનેક્શનની સંખ્યામાં વૃધ્ધી આમાં મોટો ફાળો રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાં ફોન ગ્રાહકોની સંખ્યા નવેમ્બરમાં 117.01 કરોડથી વધીને ડિસેમ્બરમાં 117.03 કરોડ થઈ ગઈ છે. આ રીતે, માસિક ધોરણે 0.02 ટકાનો વધારો નોંધાયો છે.
TRAIનો રિપોર્ટ શું કહે છે?
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ તેના માસિક સબસ્ક્રાઈબર રિપોર્ટમાં જણાવ્યું છે કે ડિસેમ્બરમાં વાયરલાઈન સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધીને 2.74 કરોડ થઈ છે જે નવેમ્બરમાં 2.71 કરોડ હતી. રિલાયન્સ જિયોના 2.92 લાખ નવા ગ્રાહકોની સંખ્યાએ ફિક્સ ફોન ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવા પાછળ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમયગાળા દરમિયાન ભારતી એરટેલે 1.46 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા જ્યારે BSNLએ 13,189 અને ક્વાડ્રન્ટે 6,355 નવા ગ્રાહકો ઉમેર્યા.
રિલાયન્સ જિયોના ગ્રાહકો વધ્યા
બીજી તરફ, MTNLએ આ મહિના દરમિયાન 1.10 લાખ ગ્રાહકો ગુમાવ્યા જ્યારે વોડાફોન ઇન્ડિયાએ 15,920 લેન્ડલાઇન ગ્રાહકો ગુમાવ્યા. ડિસેમ્બરમાં મોબાઈલ ફોન ધારકોની સંખ્યા નજીવી રીતે ઘટીને 114.29 કરોડ થઈ છે. નવેમ્બરમાં આ સંખ્યા 114.30 કરોડ હતી. વોડાફોન આઈડિયાના 24.7 લાખ ગ્રાહકોનો ઘટાડો આની પાછળનું મુખ્ય કારણ હતું. રિલાયન્સ જિયોએ ડિસેમ્બરમાં 17 લાખ નવા મોબાઇલ ફોન કનેક્શન ઉમેર્યા, જ્યારે ભારતી એરટેલે 15.2 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા. જ્યારે BSNLએ 8.76 લાખ ગ્રાહકો ગુમાવ્યા. બ્રોડબેન્ડ કનેક્શન ધારકોની સંખ્યા નવેમ્બરમાં 82.53 કરોડથી વધીને ડિસેમ્બરમાં 83.22 કરોડ થઈ છે.