ગુજરાતીઓનું અપમાન કરનારા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે બદનક્ષી કેસમાં આજે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી થશે. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતીઓનું અપમાન કરનારા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદના બિઝનેસમેન હરેશ મહેતાએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. સુનાવણી દરમિયાન મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદી પક્ષ સાક્ષી સહિતના તમામ પુરાવાઓ રજૂ કરશે. ફરિયાદીએ આપેલા પુરાવા બાદ તેજસ્વી યાદવ સામે કોર્ટ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
ફરિયાદી પક્ષે સખત સજાની કરી છે માગ
ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બિહારના DyCM તેજસ્વી યાદવ સામે IPC કલમ 499, 500 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના જાણીતા બિઝનેસમેન હરેશ મહેતાએ તેજસ્વી યાદવે આપેલા નિવેદન મામલે મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ફરિયાદમાં તેજસ્વી યાદવના વિવાદીત નિવેદનના કારણે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન થયું હોવાથી તેમની વિરુદ્ધ બદનક્ષીનો કેસ ચલાવી સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
કોર્ટેને આપ્યા હતા પ્રાથમિક પુરાવાઓ
અત્રે ઉલ્લેખનિય છે કે ગત સુનાવણીમાં ફરિયાદી પક્ષે અમદાવાદની મેટ્રો કોર્ટમાં વીડિયોની સીડી, પેન ડ્રાઇવના પુરાવા જરૂરી સર્ટિફિકેટ સાથે આપ્યા હતા. આ દરમિયાન કોર્ટમાં ફરિયાદીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. આ કેસમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
તેજસ્વી યાદવ પર બિહાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પટનામાં પત્રકારો સાથે વાત કરતી વખતે 22 માર્ચ, 2023ના રોજ ગુજરાતીઓને ઠગ કહેવાનો આરોપ છે. તેજસ્વીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "હાલની સ્થિતિને જોતા માત્ર ગુજરાતીઓ જ ઠગ છે અને તેમને માફ પણ કરવામાં આવે છે." બેંકોમાંથી પૈસા લઈને ભાગી ગયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની રેડ નોટિસમાંથી હટાવી દેવામાં આવ્યું ત્યારે તેણે આ વાત કહી હતી. જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે તમામ ગુજરાતીઓને ઠગ નથી કહ્યા.