ગુજરાતમાં આજે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આ સુનાવણી અમદાવાદની મેટ્રો કોર્ટમાં થશે.તેજસ્વી યાદવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતીઓ ઠગ અને ધુતારા કેમ છે? જેના પર તેમની વિરુદ્ધ ગુજરાતમાં માનહાનિનો કેસ દાખલ થયો હતો. આ મામલે 1લી મેના રોજ સુનાવણીમાં ફરિયાદી હરેશ મહેતાનું વેરિફિકેશન કરાઈને તેમનું નિવેદન કોર્ટમાં લેવામાં આવ્યું હતું. સાથે જ તેમણે કોર્ટમાં પૂરાવા પણ રજૂ કર્યા હતા. હવે કોર્ટ ફરિયાદી અને તેજસ્વી યાદવના વકીલોની દલીલો સાંભળશે.
બિઝનેસમેન હરેશ મહેતાએ કર્યો છે કેસ
અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના બિઝનેસમેન હરેશ મહેતાએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના નાના પુત્ર તેજસ્વી યાદવ વિરુદ્ધ એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડીજે પરમારની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. 21 માર્ચે આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટે સુનાવણી માટે 8મી મેના રોજ કહ્યું હતું. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે જો માનહાનિનો મામલો બને છે તો તેમની સામે પણ સમન્સ જારી કરવામાં આવી શકે છે. આ કેસની છેલ્લી સુનાવણી 1 મેના રોજ થઈ હતી.
તેજસ્વી યાદવ સામે આરોપ શું છે?
ફરિયાદી હરેશ મહેતાએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યો હતો કે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે બિહાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પટનામાં પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે ગુજરાતીઓને ઠગ કહ્યા હતા.તેજસ્વીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે "વર્તમાનમાં જે સ્થિતિ છે તે તેને જોઈએ તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોય છે, અને તેમને માફ પણ કરી દેવામાં આવે છે" આ વાત તેમણે ત્યારે કહીં હતી કે જ્યારે બેંકોના પૈસા લઈને વિદેશ ફરાર થઈ ગયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની રેડ નોટિસમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.