આ વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે. ટી-20 વર્લ્ડ કપ 4 જૂનથી શરૂ થશે અને ફાઇનલ મેચ 29 અથવા 30 જૂને રમાશે. 2007માં જ્યારે વેસ્ટ ઈન્ડિઝમાં વન ડે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું ત્યારે 16 ટીમો રમી હતી. આ વખતે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની સૌથી મોટી ટુર્નામેન્ટમાં 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે.
પાકિસ્તાનની ટીમને ભારતના ગ્રુપમાં સ્થાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની ટીમને ભારતના ગ્રુપમાં રાખવામાં આવી શકે છે. આ સિવાય આયર્લેન્ડ, કેનેડા અને યજમાન અમેરિકાને પણ ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં સ્થાન મળી શકે છે. ICCએ તમામ ટીમોને સૂચિત શેડ્યૂલ મોકલી દીધો છે. તે ક્રિસમસ પહેલા શેડ્યૂલ જાહેર કરવા માંગતું હતું, પરંતુ BCCI અને બ્રોડકાસ્ટર સહમત ન હતા. આવી સ્થિતિમાં ICCના પ્રસ્તાવિત કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે.
9 જૂને ભારત-પાકિસ્તાનની મેચ
મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમી શકે છે. આ પછી 9 જૂને પાકિસ્તાન અને 12 જૂને યજમાન અમેરિકા સામે મેચ રમાઈ શકે છે. ત્રણેય મેચ ન્યૂયોર્કમાં યોજાય તેવી શક્યતા છે. ભારત ગ્રુપમાં તેની ચોથી મેચ કેનેડા સામે 15 જૂને ફ્લોરિડામાં રમી શકે છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ રાઉન્ડમાં પોતાની તમામ મેચ ન્યૂયોર્કમાં જ રમે તેવી પૂરી સંભાવના છે.
સેમી ફાઈનલ અને ફાઈનલ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે
દરેક ગ્રુપમાંથી બે ટીમ આગળના રાઉન્ડમાં જશે. આ રીતે ચાર ગ્રુપમાંથી આઠ ટીમો આગળ વધશે. ગ્રુપ રાઉન્ડમાં જ 12 ટીમો બહાર થઈ જશે. બીજા રાઉન્ડમાં ભારતે તેની તમામ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમવી પડી શકે છે. આ માટે બાર્બાડોસ, એન્ટિગુઆ અને સેન્ટ લુસિયાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ બીજા રાઉન્ડમાં ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રથમ સેમિફાઇનલ 26 જૂને ગુયાનામાં રમાઈ શકે છે. જ્યારે, બીજી સેમિફાઇનલ ત્રિનિદાદમાં 27 અથવા 28 જૂને યોજાઈ શકે છે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.