ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપ ફાઈનલ સાથે સમાપ્ત થઈ ગયો છે. દ્રવિડે તેમનો કોચ તરીકેનો કાર્યકાળ વધારવાને લઈને અનિચ્છા દર્શાવી છે. તેમણે આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને જણાવી દીધી છે. દ્રવિડે ફરીથી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)નો હવાલો લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના આગામી હેડ કોચ બની શકે છે. 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાયેલી વન ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની છેલ્લી મેચ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો હતો.
દ્રવિડ 2021માં બન્યા હતા ટીમ ઈન્ડિયાના કોચ
રાહુલ દ્રવિડને નવેમ્બર 2021માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપ સાથે પૂરો થયો. તેમને પોતાનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં કોઈ રસ નથી. તેમણે BCCIના અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે.
વીવીએસ લક્ષ્મણ બનશે કોચ
વર્લ્ડ કપ ટુર્નામેન્ટ બાદ વીવીએસ લક્ષ્મણને ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલાં તેઓ આયર્લેન્ડ સામેની T-20 શ્રેણીમાં મુખ્ય કોચ હતા. આ સિવાય ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ તેમણે ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે અને ટી-20 સિરીઝમાં પણ મુખ્ય કોચની ભૂમિકા ભજવી છે. લક્ષ્મણ વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદમાં BCCIના અધિકારીઓને પણ મળ્યા હતા. તેમનો કરાર લાંબા સમય માટે હોઈ શકે છે. તેઓ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે નિયમિત કોચ તરીકે જઈ શકે છે. ઉલ્લેખનિય છે કે દ્રવિડને મુખ્ય કોચ બનાવ્યા બાદ વીવીએસ લક્ષ્મણ છેલ્લાં બે વર્ષથી NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)ના વડા છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનતાં પહેલાં દ્રવિડ NCAના ચીફ હતા. દ્રવિડે ફરી NCA ચીફની જવાબદારી લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી છે.
કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો અંગે પણ અસમંજસ
રાહુલ દ્રવિડ પહેલેથી જ તેના ભવિષ્ય માટે અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. તેમની IPL ટીમ સાથે વાતચીત ચાલી રહી છે. એ હજુ સુધી સ્પષ્ટ નથી કે દ્રવિડની મુદત પૂરી થતાં કોચિંગ સ્ટાફના અન્ય સભ્યોનો કાર્યકાળ લંબાવવામાં આવશે કે નહીં. હાલમાં ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ છે, જ્યારે પારસ મ્હામ્બરે બોલિંગ કોચ છે અને ટી દિલીપ ફિલ્ડિંગ કોચ છે.