દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે આજે ગુરુવારે (30 નવેમ્બર) દિલ્હીમાં ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ T20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ટી-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે કેએલ રાહુલ વનડે શ્રેણીની કમાન સંભાળશે. ટેસ્ટ ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડને વિનંતી કરી હતી કે તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 અને ODI નહીં રમે. જ્યારે મોહમ્મદ શમી હાલમાં તબીબી સારવાર હેઠળ છે અને તેની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર છે.
રજત પાટીદાર, સાંઈ સુદર્શન નવા ચહેરા
સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલની વનડે ટીમમાં વાપસી થઈ છે. નવા ચહેરા તરીકે રજત પાટીદાર, સાંઈ સુદર્શનનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસનને આ મોટી તક મળી છે. જ્યારે શુભમન ગિલને વનડે ટીમમાં તક મળી નથી. સૂર્યા પણ ODI ટીમમાંથી ગાયબ છે. જ્યારે કેએસ ભરતને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે ટેસ્ટ ટીમમાં નિષ્ણાત વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને ઈશાન કિશન છે. જસપ્રીત બુમરાહ હવે ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન હશે.
ઋતુરાજ ગાયકવાડનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ
T20ની કેપ્ટનશિપ માટે ફરી એકવાર સૂર્યકુમાર યાદવ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજા રહેશે. એટલે કે રવિન્દ્ર જાડેજાને પહેલીવાર મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ઋતુરાજ ગાયકવાડનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.