આગામી 30 ઓગસ્ટથી એશિયા કપ શરુ થવા જઈ રહ્યો છે, જે માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. BCCIએ આજે અજીત અગરકરની આગેવાનીમાં બોર્ડની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં એશિયા કપની ટીમ ફાઈનલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આગામી વિશ્વ કપ પહેલા એશિયા કપ રમાઈ રહ્યો છે, તેથી આ વર્ષનો એશિયા કપ ટી20 ફોર્મેટની જગ્યાએ વન-ડે ફોર્મેટમાં રમાવાનો છે. જેને લઈને ટીમમાં મહત્વના ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
રોહિત શર્મા સંભાળશે કમાન, હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન
એશિયા કપ માટે જાહેર કરાયેલી ટીમમાં મોટાભાગના સિનિયર ખેલાડીઓને શામેલ કરવામાં આવ્યાં છે. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા થી લઈને વિરાટ કોહલી સુધીના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપ માટે રોહિત શર્માને કેપ્ટન તરીકે જ્યારે હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ હમણાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં કેપ્ટનશીપ કરી હતી અને આ પહેલાં પણ હાર્દિક પંડ્યાએ ઘણી ટી20 શ્રેણીઓમાં કેપ્ટનશીપ કરેલી છે, જેથી એશિયા કપમાં તેમને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ખેલાડીઓએ ટીમમાં કર્યુ કમબેક, આ ખેલાડીઓને પડતાં મુકાયા
એશિયા કપ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી ઉપરાંત સૂર્યકુમાર યાદવ, કે એલ રાહુલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ જેવા મહત્વના ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કે એલ રાહુલે ટીમમાં કમબેક કર્યુ છે, તેમજ ભારતીય સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પણ એશિયા કપથી પરત ફરી રહ્યાં છે. આ સિવાય પ્રસિદ્ધ ક્રિષ્ના અને તિલક વર્મા જેવા ખેલાડીઓ પેહલી વખત એશિયા કપ રમશે. આ સિવાય જો બોલર્સની વાત કરવામાં આવે તો મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદિપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટાર બોલર રિવચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.આ ઉપરાંત યુઝવેન્દ્રિય ચહલને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે સંજુ સેમસનને બેકઅપ કિપર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
હાઈબ્રિડ મોડલમાં રમાશે એશિયા કપ
આ એશિયા કપની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે, પરંતુ ભારતીય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આખી ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાવાનું નક્કી કરવામાં આવ્યું છે એટલે કે ત્રણથી ચાર જ મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની તમામ મેચ અને ફાઈનલ મેચ શ્રીલંકા ખાતે રમાવાની છે.
એશિયા કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી , કુલદીપ યાદવ , પ્રસિદ્ધ કૃષ્ણા.