રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની બદલીને અનેક વખત ફરિયાદો સાંભળવા મળે છે. શિક્ષકો જિલ્લાફેર બદલી માટે ઘણી વખત મોટી રકમ પણ લાંચ પેટે ચૂકવતા હોય છે. આ બાબત શિક્ષણ ક્ષેત્રે જાણે સામાન્ય બાબત બની ગઈ છે. જો કે બદલીવાચ્છુ શિક્ષકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે.
પરીક્ષાઓ બાદ થશે બદલીઓ
રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 12ની પ્રિલિમનરી પરીક્ષા આગામી 28 જાન્યુઆરીથી શરૂ થશે, જે 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ઉપરાંત આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે. જેના કારણે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોની બદલીઓ હાલ પૂરતી મૌકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ઔપચારિક રીતે આ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગ આપી સૂચના
શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર બોર્ડની પરીક્ષા અને શાળાઓની પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી જૂન 2023 બાદ શિક્ષકોની બદલીઓની કામગીરી શરૂ થશે. શાળાઓના પરીક્ષા કાર્યક્રમ બાદ બદલીઓની પ્રક્રિયા કરવા સૂચન કરવામાં આવ્યું છે.