ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે રાજ્ય સરકાર તમામ વર્ગના લોકોનો અસંતોષ દુર કરવાના ભરચક પ્રયાસો કરી રહી છે. વિરોધ પક્ષો મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈને ભાજપને ઘેરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કર્યા હતા. રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી અંગેનો મહત્વનો નિર્ણય કરી હજારો બેકાર શિક્ષકોના દિલ જીતી લીધા છે. ભરતીની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યા સહાયકો માટે આ આનંદના સમાચાર છે.
શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે
કેબિનેટની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં જ શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. વાઘાણીએ કહ્યું કે શિક્ષણ વિભાગમાં ભરતી સમયસર થાય છે. છેલ્લે 3300 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જિલ્લાફેર બદલી અંગે તેમણે જણાવ્યું કે, હાલ આ કેસ હાઇકોર્ટમાં છે. હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર તત્કાલ ભરતી કરવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં પ્રક્રિયા શરૂ કરી દેવાશે. આ સાથે જ લાંબા સમયથી શિક્ષક બનવા માંગતા બેરોજગારોએ રાહતનો શ્વાસ લીધો છે.
ટેટ અંગે મહત્વની જાહેરાત
TET પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી ટેટની પરીક્ષા જ લેવામાં આવી નથી. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું. સપ્ટેમ્બરના અંતે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. શક્ય તેટલી ઝડપથી ભરતી પુર્ણ થાય તેવો પ્રયાસ રહેશે. આગામી સમયમાં પરીક્ષાનું પણ આયોજન કરી દેવાશે.