અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર પુરપાટ ગાડી ચલાવી 10 નિર્દોશ લોકોનો જીવ લેનારા તથ્ય પટેલની મુશ્કેલી વધી રહી છે. નબીરા તથ્ય પટેલ સામે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આમ અકસ્માતના અલગ- અલગ કેસમાં તથ્ય પટેલ સામે અત્યાર સુધીમાં 3 FIR નોંધાઈ ચુકી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપી તથ્ય પટેલે જેગુઆર કાર ગાંધીનગરના એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી. થર્ટી ફર્સ્ટની પાર્ટી બાદ તથ્ય પટેલે આ અકસ્માત સર્જ્યો હતો.
સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
ગાંધીનગરનાં સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સાંતેજ પોલીસ હદમાં આવતા વાંસજડા ગામ પાસે સાણંદ જવાના મેઇન રોડ ઉપર આવેલ બળિયા દેવના મંદીરમાં જેગુઆર કાર ઘૂસાડી હતી. વાંસજડા ગામના પૂર્વ સરપંચે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 1લી જાન્યુઆરી 2023ના રોજ 3થી 5 વાગ્યાના અરસામાં એક કાર ચાલકે ગામના ભાગોળે મેઈન રોડ પર સાણંદ તરફ જતા બળીયાદેવ મંદિરના આગળના સાઈડના પિલ્લરને નુકસાન કર્યું હતું, જેથી મંદિરના ધાબાનો ભાગ નમી ગયો હતો અને મંદિરને રૂ.20,000નું નુકસાન કર્યું હતું. તાજેતરમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતને લઈ સમાચાર પત્રોમાં વાંચતા જાણવા મળ્યું કે આ કારચાલક તથ્ય પટેલ હતો.
સિંધુભવન રૉડ પરઅકસ્માત સર્જ્યો હતો
ઇસ્કોન કાંડ પહેલા જ તથ્ય પટેલે થોડા દિવસ પહેલા એક મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં તે થાર ગાડી હંકારી રહ્યો હતો અને આ દરમિયાન તેને સિંધુભવન રૉડ પર આવેલા ના મોવ કાફેમાં કાર ઘૂસાડી દીધી હતી. આ ઘટના 3જી જુલાઇએ બની હતી, આના CCTV ફૂટેજ અને વીડિયો પણ સામે આવ્યા છે. આ મામલે પણ પોલીસે હવે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પણ મોડી રાત્રે તથ્ય પટેલ કાર બેદરકારી ભરી રીતે હંકારીને દિવાલમાં ઘુસાડી દીધી હતી. તેણે કેફે માલિકને પૈસા આપીને કેસને રફેદફે કરાવી દેતા FIR નોંધાઈ નહોતી, જોકે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.