અમદાવાદમાં ઈસ્કોન ઓવરબ્રિજ બ્રિજ પર જેગુઆર કારથી 10 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલનો FSL રિપોર્ટ આવી ગયો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ મુજબ અકસ્માત સર્જાયો તે વખતે તથ્ય પટેલે 142 પ્રતિ કલાકની સ્પિડથી જેગુઆર કાર દોડાવી હતી. આ સ્થિતીમાં તેણે કાર પરનો કાબુ ગુમાવી દીધો અને 10 લોકોના મોત થયા હતા. આ પૂર્વે આરોપી તથ્ય પટેલે કબૂલાત પણ કરી હતી કે તે જેગુઆર સ્પીડમાં ચલાવતો હતો અને તેણે બ્રેક મારી જ નહોતી. અત્રે ઉલ્લેખનિય છે અકસ્માતની આ ઘટના બાદ પોલીસે FSL અને RTOનો રિપોર્ટ ઉપરાંત જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ માગ્યો છે. FSLનો રિપોર્ટ આવ્યા પછી કોર્ટ અને પોલીસ તરફથી શું કાર્યવાહી થશે તેના પર લોકોની નજર છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી છે, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સાથે જ યુવક સાથે કારમાં સવાર અન્ય યુવક-યુવતીઓની પણ પોલીસે અટકાયત કરવામાં આવી છે.