અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર બેફામ જેગુઆર કાર હંકારી 9 લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ RTOએ તથ્ય પટેલ સામે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તે જ પ્રકારે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલેના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે.
અમદાવાદ RTOએ કરી આકરી કાર્યવાહી
તથ્ય પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે તથ્ય પટેલ આજીવન ગાડી ચલાવી નહીં શકે. ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને અડફેટે લઈ 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.
જામીન અરજી નામંજૂર
પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થઈ છે. બંને પક્ષે દલીલો ગત સુનાવણીમાં પૂર્ણ થઈ હતી. સરકારી વકીલે ધારદાર દલીલ કરતા કહ્યું હતું કે જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચવાની શકયતા છે. પ્રજ્ઞેશ પટેલ પર અન્ય ગુનાઓ પણ હોવાથી જામીન ના આપવા દલીલ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે નવેમ્બર 2020માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.