ટાટા ટેકનોલોજીસ (Tata Technologies Share) ના શેરોની ફાળવણી થઈ ગઈ છે અને આ સ્ટોક આવતીકાલે 30 નવેમ્બર, 2023ના રોજ NSE અને BSEમાં લિસ્ટ થશે. આ IPO ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હોવાથી, આજે (29 નવેમ્બર 2023) ટાટા મોટર્સના શેરો પણ આનંદથી ઉછળ્યા હતા. ટાટા મોટર્સ (Tata Motors Share)નો શેર આજે NSE પર 2.13 ટકાના વધારા સાથે રૂ. 712.35 પર બંધ રહ્યો હતો. આ શેરને 700ની ઉપર બંધ થવામાં 12 વર્ષ લાગ્યા હતા. ઘણા વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ટાટા ટેક્નોલોજીના શેરનું વેલ્યૂએશન ખૂબ આકર્ષક છે. ટાટા ટેકનોલોજીસનો 3,042.51 કરોડ રૂપિયાનો IPO 22-24 નવેમ્બર દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. તેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને IPO 69.43 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ઉલ્લેખનિય છે કે ટાટા ગ્રુપની કંપનીનો છેલ્લો IPO વર્ષ 2004માં આવ્યો હતો. લિસ્ટેડ થનારી કંપની TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસ) હતી. હવે 19 વર્ષ બાદ જ્યારે ટાટાની બીજી કંપનીનો IPO આવ્યો છે ત્યારે રોકાણકારોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો.
ગ્રે માર્કેટમાં જંગી પ્રીમિયમ
ટાટા ટેકના શેરોને ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રીમિયમ મળી રહ્યું છે. ગ્રે માર્કેટ તરફથી મળેલા સંકેતો અનુસાર ટાટા ટેકનોલોજીસના શેર 80 થી 82 ટકાના પ્રીમિયમ પર શેરબજારમાં લિસ્ટિંગ થઈ શકે છે. લિસ્ટિંગના એક દિવસ પહેલા તે 389-399 રૂપિયાની વચ્ચે હતો. તેના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરનું લિસ્ટિંગ 889-899ની આસપાસ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે ટાટા ટેકના આ શેરની ઈશ્યુ પ્રાઇસ 500 રૂપિયા હતી, એટલે કે જેમને IPOમાં શેર ફાળવવામાં આવ્યા હતા તેમને 500 રૂપિયાના ભાવે શેર મળ્યા હતા. ગ્રે માર્કેટમાં ટાટા ટેકના IPOનો સૌથી ઓછો ભાવ 240 રૂપિયા અને મહત્તમ 414 રૂપિયા પ્રતિ શેર રહ્યો હતો.ગ્રે માર્કેટની કિંમત અનધિકૃત છે. માર્કેટમાં લિસ્ટ થતા પહેલા, ગ્રે માર્કેટમાં શેરની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે. સામાન્ય રીતે, રોકાણકારો IPOના લિસ્ટિંગ રેટ જાણવા માટે ગ્રે માર્કેટ પ્રાઈસ ટ્રેક કરે છે. શેર બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, "ટાટા ટેકના શેર પહેલા જ દિવસે રોકાણકારોના નાણાં બમણા કરે તેવી સંભાવનાઓ છે." નવેમ્બરના ઓટો વેચાણના આંકડાઓ પહેલા ટાટા મોટર્સના શેર પણ ફોકસમાં હતા.