લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વર્તુળમાં ચર્ચાઓનું બજાર પણ ગરમાતું રહે છે. ઈન્ડિયા ગઠબંધનમાં ફૂટ પડી રહી હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે એક બાદ એક રાજકીય પાર્ટી દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી. ત્યારે હવે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થઈ શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પહેલા સમાજવાદી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગને લઈ સમાચાર આવ્યા ત્યારે આજે આમ આદમી પાર્ટી અને કોંગેસ વચ્ચે ત્રણ રાજ્યોમાં ગઠબંધન થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્રણ રાજ્યો માટે સીટ ફાળવણી અંગેની ચર્ચાઓ ચાલી રહી છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
કોંગ્રેસ અને આપ વચ્ચે થઈ શકે છે ગઠબંધન!
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બંને પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણીને લઈ સીટ શેરિંગ ફોર્મ્યુલા પર વિચારણા ચાલી રહી છે. જો સૂત્રોનું માનીએ તો હરિયાણા, ગુજરાત અને દિલ્હીમાં સીટની વહેંચણીને લઈને બંને પાર્ટી વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 સીટો પર ચૂંટણી લડશે તો કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે. ગુજરાતની બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જ્યારે હરિયાણામાં એક સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.
કઈ કઈ સીટો માટે ચાલી રહી છે વાત?
ગુજરાતમાં જે બે સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે તેની વાત કરીએ તો ભરૂચ અને ભાવનગર પર લડશે. તે ઉપરાંત દિલ્હીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી દક્ષિણ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી, નવી દિલ્હી તેમજ પશ્ચિમ દિલ્હીની સીટ પર ચૂંટણી લડી શકે છે. તો દિલ્હીમાં કોંગ્રેસના સીટોની વાત કરીએ તો ઉત્તર પૂર્વિય સીટ, ચાંદની ચોક તેમજ પૂર્વ દિલ્હી સીટ પર ચૂંટણી લડશે. એવી માહિતી સામે આવી છે કે આ અંગેની ઔપચારિક ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.