રાજ્યમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થયા બાદ તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જો કે હવે તલાટીની પરીક્ષા ક્યારે યોજાશે તેને લઈ જબરદસ્ત જીજ્ઞાસા જોવા મળી રહી છે. જો કે આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન IPS હસમુખ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે તલાટીની પરીક્ષા અંગે આગામી 3 દિવસમાં નિર્ણય લેવામાં આવશે. 30 એપ્રિલે પરીક્ષા યોજાવી કે નહીં એનો નિર્ણય થશે. તેમના કહ્યા પ્રમાણે રાજ્યમાં પૂરતા પરીક્ષા કેન્દ્ર મળશે તો જ 30 એપ્રિલે તલાટીની પરીક્ષા યોજાશે. પૂરતા કેન્દ્ર નહીં મળે તો 30 એપ્રિલે પરીક્ષા યોજાશે નહીં.
શું કહ્યું IPS હસમુખ પટેલે?
રાજ્યમાં તલાટીની પરીક્ષા 30 એપ્રિલે યોજવી કે નહીં, તે અંગે 3 દિવસમાં જ નિર્ણય લેવાશે. પંચાયત ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ નિવેદન આપ્યું છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે તલાટીની પરીક્ષા પંચાયત વિભાગની પ્રાથમિકતા છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, જો પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ થશે તો જ 30 એપ્રિલે તલાટીની પરીક્ષા યોજવાની જાહેરાત કરીશું. તલાટીની પરીક્ષા માટે સાડા સત્તર લાખ જેટલા ઉમેદવારો છે. જેમના માટે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રોની જરૂર છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 3 હજાર 22 જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે. એવામાં અઢી હજારથી વધુ પરીક્ષા કેન્દ્રોની હજુ સગવડતા કરવાની બાકી છે. ત્યારે આ અંગે ફાઈનલ નિર્ણય 3 દિવસમાં લેવાશે.
શા માટે જૂનિયર ક્લાર્કનું પેપર લાંબુ હતું?
રાજ્યમાં આજે યોજાયેલી જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર દરેક પરીક્ષાર્થીને લાંબુ લાગ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉમેદવારોએ પરીક્ષામાં સમય વધારે લાગ્યો હોવાનો દાવો કર્યો છે. આ આંગે હસમુખ પટેલે કહ્યું કે, અમે પહેલાં જ પેપર લાંબુ હશે એવા સંકેત આપ્યા હતા અને પેપર લાંબુ રાખવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ એ હતો કે પરીક્ષાખંડમાં બેઠાં બેઠાં કોઈ પરીક્ષાર્થીને ચોરી કરવાનો સમય ન મળે. વધુમાં તેમણે ઉમેર્યું કે, પેપર લાંબુ હતું તો દરેક પરીક્ષાર્થી માટે લાંબુ હતું. એટલે અન્યાય થવાનો પ્રશ્ન જ નથી.
OMR શીટની સાઈઝ અંગે કહીં આ વાત
જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં OMR શીટની સાઈઝ અન્ય પરીક્ષા કરતા મોટી હોવાનો કેટલાક પરીક્ષાર્થીઓએ મુદ્દો ઉપસ્થિત કર્યો છે. આ મામલે સ્પષ્ટતા કરતા હસમુખ પટેલે કહ્યું કે, અમારા ધ્યાને આવું કંઈ આવ્યું નથી. પરંતુ હું OMR જોઈશ અને જરૂર જણાશે તો ભવિષ્યમાં સુધારો કરીશું.