ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચની બંને દેશના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ હાઈવોલ્ટેજ મેચ આવતી કાલે રવિવાર 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો જોરદાર તૈયારી કરી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મહિનામાં આ ત્રીજો મુકાબલો હશે.
વરસાદ વિઘ્નરૂપ બને તેવી આશંકા
આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનારી આ મેચ પર વરસાદી પાણી ફરી વળે તેની સંભાવના છે. હવામાન વિભાગે પણ મીની ફ્લડ એલર્ટ આપ્યું છે. આ જ કારણે ટીમ ઈન્ડિયાએ પણ ઈન્ડોર પ્રેક્ટિસ કરવી પડી હતી. હવે જો વરસાદના કારણે મેચ ધોવાઈ જશે, તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળશે. સારા સમાચાર એ છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સિડનીમાં રમાયેલી મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી,પણ વરસાદ ન પડ્યો અને મેચ રમાઈ હતી.
T20 વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ સારો
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 6 વખત ટકરાયા છે. જેમાં ભારતને 5 મેચમાં, જ્યારે પાકિસ્તાનને 1 મેચમાં જીત મળી છે. T20 ફોર્મેટમાં બન્ને ટીમ વચ્ચે ઓવરઓલ 11 મેચ રમાઈ છે. જેમાં 7 મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે, તો 3 મેચમાં પાકિસ્તાનને જીત મળી છે. 1 મેચ ટાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ બોલ આઉટમાં જીત મેળવી હતી. તે ઉપરાત ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય ટીમનો રેકોર્ડ સારો રહ્યો છે.