જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ બિપોરજોય વાવાઝોડું વિકરાળ તેમજ ભયજનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરિયાઓમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે તો તેજગતિથી પવન પણ વહી રહ્યો છે. અનેક બંદરો પર ભયાવહ સિગ્નલ લાગુ કરવામાં આવ્યા છે. સૌથી વધારે સંકટ કચ્છ પર તોળાઈ રહ્યું છે. કચ્છમાં વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની અનેક ટીમોને તૈનાત કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે કચ્છના અનેક વિસ્તારોમાં વસતા લોકોનું સ્થાળાંતર કરાવવામાં આવી રહ્યું છે. 20 જેટલા ગામોમાં વસતા લોકોને નજીકના સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે કચ્છની તમામ શાળાઓમાં થોડા દિવસો સુધી રજા જાહેર કરવામાં આવી છે.
20 જેટલા ગામોના લોકોનું કરાશે સ્થળાંતર
વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર એકદમ એલર્ટ દેખાઈ રહ્યું છે. અનેક બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન આસપાસ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી ખાતે ટકરાઈ શકે છે. વાવાઝોડાને પગલે પીએમ ઓફિસથી પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તે સિવાય અનેક જિલ્લાઓની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી છે. દરિયા ગાંડો બની રહ્યો છે. ત્યારે કચ્છના જખૌના કાંઠાળ વિસ્તારના ગામોથી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. અંદાજીત 20 ગામોના લોકોનું સ્થાળાંતર શરૂ કરવામાં આવ્યું છે.
પોતાના જીવને જોખમમાં રાખી NDRFની ટીમ બચાવે છે લોકોના જીવ!
દેશના કોઈ જગ્યા પર જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે દેવદૂત બની રેસ્ક્યુ કરવા એનડીઆરએફની ટીમ પહોંચી જતી હોય છે. ખતરાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને સમજાવાય છે કે સ્થળાંતર કરવું તેમના જીવન માટે જરૂરી છે. પરંતુ લોકો પોતાની ઝુંપડીને છોડવા તૈયાર નથી હોતા. તે સમજે છે કે જો તેઓ બીજી જગ્યા પર જશે તો કેવી રીતે પોતાનું જીવન ગુજારો કરશે. પૈસા બધા માટે મહત્વના છે પરંતુ જીવન કરતા તો મુલ્યવાન નથીને. આ વાત સ્થાળાંતર કરતા લોકોએ પણ સમજવી પડશે અને એનડીઆરએફની ટીમ તમારા હીત માટે જ કહી રહ્યા છે.