છેલ્લા કેટલાક મહિનાઓથી સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફ્લુ અને કોરોનાના કેસ ધીમે ધીમે ઘટતાં જઈ રહ્યા છે. તેમ છતાં સામાન્યથી લઇને મધ્યમ લક્ષણો સાથે કોરોનાના બેથી ત્રણ અને સ્વાઈન ફલૂના 1થી 2 દર્દી દાખલ રહેતાં હતા. પરંતુ, રવિવારે સિવિલમાં 286 દિવસ પછી સ્વાઈન ફલૂ અને 122 દિવસ પછી કોરોનાનો એકપણ દર્દી દાખલ નથી.
સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે વરસાદી માહોલને કારણે બે મહિના પહેલા હોસ્પિટલમાં કોવિડ અને સ્વાઇન ફ્લૂના દર્દીની સંખ્યામાં વધઘટ થતી હતી. કયારેક સ્વાઈન ફલૂ તો કયારેક કોવિડના દર્દી વધુ નોંધાતા હતા. મોટાભાગના દર્દીમાં સામાન્યથી મધ્યમ લક્ષણો જ્યારે વિવિધ રોગથી પીડાતા મોટી ઉંમરના દર્દીને ઓક્સિજનથી લઇને બાયપેપ પર રાખવાની જરૂર પડતી હતી. પરંતુ, છેલ્લાં દોઢ મહિનાથી સ્વાઈન ફલૂ અને કોવિડ બંને રોગના દર્દીનો આંકડો ઘટીને 10ની આજુબાજુ પહોંચ્યો હતો. જેમાં ક્રમશ ઘટાડો થઇને હવે રવિવારે એકપણ દર્દી દાખલ રહ્યો નથી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. જ્યારે 21 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે.