વડોદરામાં ભર ઉનાળે કોર્પોરેશનના સત્તાધિશોએ લાલબાગ સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ શરૂ કરતા તરવયાઓમાં રોષ જોવા મળ્યો. હાલમાં ગુજરાત બોર્ડ અને સેન્ટ્ર બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં ઓટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્વિમિંગ માટે આવતા હોય છે અને સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં લોકો સ્વિમિંગ માટે જતાં હોય છે ત્યારે ભર ઉનાળે સ્વિમિંગ પૂલમાં કામગીરી શરૂ કરતાં લોકો રોષે ભરાયા.
લાલ બાગ સ્વિમિંગ પૂલનું મેન્ટેનન્સ શરૂ કરાતા સ્વિમરોને અન્ય સ્વિમિંગપુલનો સહારો લેવો પડે છે. સ્વીમરોએ ફરિયાદ કરી કે સ્વિમિંગ પૂલમાં લાંબા સમય સુધી મેન્ટેન્સ કામગીરી ચાલતી હોય છે. અને તેના કારણે તેમને દર વર્ષે પાંચ થી સાત કિલોમીટર દૂર સ્વિમિંગ કરવા માટે જવું પડે છે. સ્વિમિંગ પૂલમાં 345 લાઈફ મેમ્બર, દસ વર્ષની મેમ્બરશીપવાળા 200 થી વધુ લોકો છે. સ્વિમિંગ પુલના સંચાલકોએ કહ્યું કે આગામી સપ્તાહમાં લાલ બાગ સ્વિમિંગ પુલ શરુ થઈ જશે તેવું આશ્વાસન લોકોને આપ્યું છે
કોર્પોરેશનના અધિકારીઓએ ખુલાસો કર્યો કે વડોદરાનો લાલબાગ સ્વિમિંગ પૂલ 1974માં બનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઉનાળો શરૂ થાય તે પૂર્વે કોર્પોરેશન સ્વિમિંગ પૂલોનું એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરે છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લાલબાગનું કામ હાથ પર લેવાનું હતું, પરંતુ તરવૈયાઓએ ચાલુ રાખવાનું કહેતા 1 ફેબ્રુઆરીથી મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરાવી હતી. જેમાં ફિલ્ટરની સફાઈ, ક્લોરીનેશનની ટેકનિકલ કામગીરી, હોજની સફાઈ કરવામાં આવી હતી. પ્રતિવર્ષ ઉનાળાના પ્રારંભે સૌથી વધુ મેમ્બરોનો ઘસારો રહેતો હોય છે. સભ્યોના ઘસારાને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ માટે શિફ્ટ ગોઠવવામાં આવે છે. ત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોય તરવૈયા અને શિખાઉ સભ્યો માટે કારેલીબાગ અને વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સ્વિમિંગ પૂલ માં મેન્ટેનન્સને પગલે સભ્યએ પાલિકાના સત્તાધીશો સમક્ષ રોષ ઠાલવ્યો હતો.