ભારતમાં એવી અનેક હસ્તીઓ થઈ ગઈ જેમણે ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વસ્તરે નામના મેળવી છે. તે પ્રતિભાઓમાંથી એક એવી વ્યક્તિ જેમણે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી તે છે લતા મંગેશકર. બોલિવુડની લિજેન્ડરી સિંગર અને ભારત રત્નથી સન્માનિત પીઢ ગાયિકા લતા મંગેશકરની આજે પુણ્યતિથી છે. 6 ફેબ્રુઆરીના રોજ લતા દીદીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
લતા મંગેશકર ભારતની એવી પ્રખ્યાત હસ્તીઓમાંથી એક હતા જેમણે પોતાના કૌશલ્યથી લોકોને અચંબીત કરી દીધા હતા. નાઈટિંગેલ લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મરાઠી પરિવારમાં પંડિત દીનનાથ મંગેશકર અને સુધામતીને ત્યાં થયો હતો. લતા દીદીને વારસામાં સંગીત મળ્યું હતું કારણ કે તેમના પિતા પણ ગાયક કલાકાર હતા.
માત્ર પાંચ વર્ષની ઉંમરે લતા મંગેશકરે ગાવાનું શરૂ કરી દીધું હતું. જવાબદારીઓને કારણે ગાયનને જ પોતાનો વ્યવસાય બનાવાનું નક્કી કર્યું. અનેક હિંદી તેમજ મરાઠી ફિલ્મોમાં તેમણે પોતાનો અવાજ આપ્યો છે. પોતાના જીવનના સફર દરમિયાન લતા મંગેશકરે 1000થી વધુ હિંદી ભાષામાં ગીતો ગાયા છે.
પોતાના શરૂઆતના દિવસોમાં લતા મંગેશકરે અભિનય પણ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે હિંદી ભાષામાં તેમનું પ્રથમ સોંગ હતું માતા એક સપુત કી ગીત. તે બાદ તે સમયના પ્રખ્યાત સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરના સંપર્કમાં તેઓ આવ્યો અને તેમના અવાજને ઈન્ડસ્ટ્રી સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. તે બાદ તેમની સાથે અનેક ગીતો ગાયા. તે બાદ વર્ષ 1948માં માસ્ટર હુલામ હૈદરની ફિલ્મ મજબૂરમાં લતાએ ગીત ગાયું જેને કારણે તેમનું નસીબ બદલાઈ ગયું. આ બાદ ઈન્ડસ્ટીની જાણીતી હસ્તી બની ગયા હતા.
સ્વર કોકિલા ગણાતા લતા મંગેશકરે અનેક ગાયકો સાથે કામ કર્યો હતો. કિશોર કુમારની સાથે તેમણે હિટ ગીતો આપ્યા હતા. તે સિવાય મોહમ્મદ રફી સાથે પણ તેમણે અનેક હિટ ગીતો ગાયા. પોતાના જીવન દરમિયાન સંગીત ક્ષેત્રે તેમણે અનોખું યોગદાન આપ્યું છે. 2001માં લતા મંગેશકરને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તે પહેલા પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ તેમજ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી તેમને સન્માનિત કરાયા હતા.
અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા. લતા મંગેશકર પણ કોરોના સંક્રમિત થયા હતા અને સાથે સાથે તેમને ન્યુમોનિયા પણ થયો હતો. બીમારી સામે તેઓ ઝઝૂમી ન શક્યા અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ તેમનું અવસાન થઈ ગયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથીએ અનેક મોટી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે તે ઉપરાંત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરી બીચ પર તેમની રેતીથી પ્રતિમા બનાવી છે.