હિંદુ ધર્મમાં સૂર્યની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પોષ મહિનામાં સૂર્યની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. એવું માનવામાં આવે છે કે પોષ મહિનામાં સૂર્યની ઉપાસના કરવાથી અનેક રોગો દૂર થાય છે. પોષ મહિનાના સુદ પક્ષની સાતમે સૂર્યની પૂજા અને અર્ઘ્ય આપવાનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં મળી આવે છે.
ઉગતા સૂર્યની કરવી જોઈએ પૂજા
આપણે ત્યાં ઉગતા સૂર્યને પૂજવાની પરંપરા વર્ષો જૂની છે. તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં કંકૂ, ચંદન, ચોખા પધરાવા જોઈએ. અને ધૃણિ સૂર્યાય નમ મંત્ર બોલી જળ અર્પણ કરવું જોઈએ. ઉપરાંત જેટલા બને એટલા આદિત્ય હૃદયસ્તોત્રનો પાઠ કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ પણ કરવો જોઈએ.
પૂજા કર્યા બાદ કરવું જોઈએ દાન
એવું માનવામાં આવે છે કે તાંબાના લોટામાં પાણી પીવાથી બીમારીઓ દૂર થાય છે. આ દિવસે મીઠા વગરના ભોજનનું સેવન કરવું જોઈએ. દિવસ દરમિયાન જો ભૂખ લાગે તો ફળાહાર કરવો જોઈએ. સૂર્ય દેવને અર્ઘ્ય આપ્યા બાદ ભોજન, કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. ઉપરાંત ગાયને ચારો ખવડાવવો જોઈએ.
માનસિક શાંતિની થાય છે અનુભૂતિ
સૂર્ય દેવની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે ઉપરાંત સુખ સમુદ્ધિમાં પણ વધારો થાય છે. એવું માનવામાં આવે છે કે પોષ મહિનાની સાતમે સૂર્યને જળ અર્પણ કરવાથી માનસિક શાંતિ મળે છે ઉપરાંત બુદ્ધિ પણ તેજ બને છે. આ દિવસે દાન કરવાથી પુણ્યમાં વૃદ્ધિ થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.