સામેવાળા વ્યક્તિને માન આપીએ તો તે વ્યક્તિ ખુશ થઈ જતો હોય છે. અનેક એવા લોકો હશે જો તેમને પ્રેમથી બોલાવવામાં આવે, માન આપીને બોલાવવામાં આવે તો ગદગદ થઈ જતા હોય છે. આપણે માનીએ છીએ કે માન આપવાથી આપણું શું જાય છે? પરંતુ માત્ર માન આપવાથી સામે વાળા વ્યક્તિને પડતી સમસ્યાનો ઉકેલ નથી આવતો. આવું જ કંઈ ખેડૂતો સાથે થાય છે. આપણે ખેડૂતને જગતના તાત કહીએ છીએ પરંતુ તે જ જગતના તાતની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. માત્ર માન આપવાથી તેમની પરિસ્થિતિ નથી સુધરવાની.
પાણી આપવા માટે ખેડૂતોએ કરી હતી ઉગ્ર રજૂઆત
થોડા સમય પહેલા ડુંગળી પકવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. નિકાસબંધીના વિરોધમાં તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તે ઉપરાંત પણ અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ ખેડૂતોએ ભોગવવાનો વારો આવે છે. ગઈકાલે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ સુરેન્દ્રનગરનાં વડધ્રા ગામે ખેડૂત મીટીંગ રાખી હતી. 20 થી વધુ ગામના ખેડૂતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થાનગઢ અને મૂળી તાલુકામાં સૌની યોજના મારફતે પહેલા પાણી આપવામાં આવ્યું ત્યાર બાદ ખેડૂતોએ રવિપાકની વાવણી કરી અને અચાનક વાલ બંધ કરી દેવામાં આવ્યો.
જો વાલ નહીં ખોલવામાં આવે તો...
ખેડૂતોની નજર સામે પાણીના અભાવે રવિપાક બળી જવાની તૈયારી પર છે. અને એ લોકોને કોઈ સહાય નથી. 18 તારીખે ખેડૂતો એ ઉગ્ર રજૂઆત કરી જેના કારણે વાલ ચાલુ થયા. ત્યારબાદ 4 કલાકમાં જ રાજકીય નેતાના ઇશારે વાલ બંધ કરી દેવામાં આવ્યા. વાલ બંધ થવાને કારણે ખેડૂતો હવે ખૂબ પરેશાન છે. ત્યારે હવે ખેડૂતોએ આ કાર્યક્રમમાં નિર્ણય લીધો છે કે આગામી 5 દિવસમાં સૌની યોજના અંતર્ગત મૂળી અને થાનગઢનો સ્કાવર વાલ ખોલી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં નહિ આવે તો ભાજપ નેતાઓ ની ગામડામાં પ્રવેશ બંધીના પોસ્ટર લગાવી દેવામાં આવશે.