ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. જો કે તેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રની બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તેના કારણે આસપાસની સોસાયટીઓમાં કાદવનો પ્રવાહ ધસી આવતા તે સોસાયટીઓના રહીશોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
સુરતના વરાછામાં લોકોની હાલત કફોડી
સુરતના વરાછાના હીરાબાગ સર્કલ પાસે હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે. મેટ્રોની કામગીરીના કારણે સોસાયટીમાં કાદવના થર જામી ગયા છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. આ સોસોયટીઓના રહિશોએ તેમના ઘરમાં કાદવ ઘૂસતો રોકવા માટે ઈંટોની આડશો મુકવી પડી રહી છે. જે સોસાયટીઓની અંદર અચાનક જ પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો છે એની પાછળ મેટ્રોની કામગીરી કારણભૂત છે. મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન ક્ષતિ થઈ હોવાને કારણે પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવતો હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે. લોકોએ સ્થાનિક વહીવટીતંત્રને રજુઆતો કરી પણ તંત્રએ લોકોની મુશ્કેલીનો હલ કરવા માટે અત્યાર સુધી કોઈ કામગીરી ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.