સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સરકારી બગીચામાં સાંજના સમયે મુસ્લિમ સમાજના બે લોકો નમાઝ પઢતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ જબરદસ્ત હોબાળો મચી ગયો છે. શહેરના હિંદુ સંગઠનોના કાર્યકરો રોષે ભરાયા છે. હિંદુ સંગઠનોના કાર્યકરો બીજા દિવસની રાત્રે બગીચામાં પહોંચ્યા અને સામૂહિક રીતે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો, અને જે જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી તે જગ્યાને શુદ્ધ કરવા માટે ગંગાજળનો છંટકાવ કર્યો હતો.
108 લોકોની ટીમે કર્યો હનુમાન ચાલીસાનો પાઠ
હિન્દુ સંગઠનના કાર્યકરોએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાનો આ બગીચો સાર્વજનિક છે અને લોકો અહીં સવાર-સાંજ ફરવા આવે છે. આ બગીચો છઠ સરોવર ગાર્ડન તરીકે પણ પ્રખ્યાત છે, જ્યાં છઠ્ઠના તહેવારની મોટી પૂજા થાય છે, અહીં લોકોની ધાર્મિક લાગણી ગાર્ડન સાથે જોડાયેલી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુસ્લિમ સમુદાયના બે લોકો સાંજના સમયે નમાઝ પઢતા જોવા મળે છે અને કેટલાક બાળકો તેમની આસપાસ રમતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો મેદાને આવ્યા હતા. વીડિયો વાયરલ થયાના બીજા દિવસે હિન્દુ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં અહીં એકઠા થયા હતા. હિન્દુ સંગઠનના કાર્યકરોએ 108 લોકોની ટીમ બનાવીને અમે પાંચ વખત હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને મંત્રો સાથે અહીં ગંગાજળનો છંટકાવ કર્યો હતો. બજરંગ સેનાના લિંબાયત જિલ્લા મંત્રીએ જણાવ્યું કે,અહીં વાત માત્ર નમાઝની નથી, કેટલાક અરાજક તત્વો જેઓ અધાર્મિક છે જેઓ અહીં શાળાએ જતી અમારી બહેનો અને દીકરીઓ સાથે બેસે છે. હું માતાપિતાને વિનંતી કરવા માંગુ છું કે તમારું બાળક ક્યાં જઈ રહ્યું છે તેના પર નજર રાખો. શાળાએ જવું અથવા બીજે ક્યાંક જાય છે.