જ્યારે કોઈ પણ નેતા પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપે છે ત્યારે આપણી અંતરાત્મા કહેતી હોય છે કે આજે નહીં તો કાલે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે.. માત્ર રાહ જોવાની જરૂર છે...! ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. અચાનક નેતાઓની સૂઈ ગયેલી અંતરાત્મા જાગે છે અને તેમને કહે છે કે પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી દે...! આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર અલ્પેશ કથીરિયા તેમજ ધાર્મિક માલવિયા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. તેમના સાથે પાસના 200 જેટલા કાર્યકરો પણ કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે..
આપમાંથી બંને નેતાઓએ થોડા સમય પહેલા આપ્યું હતું રાજીનામું
એક સમય હતો જ્યારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થઈ રહી હતી. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદને કારણે આ બેઠક ચર્ચાઈ રહી હતી.. પરંતુ ગઈકાલથી સમગ્ર દેશમાં સુરત લોકસભા બેઠક ચર્ચામાં આવી.. સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા. વગર મતદાન કરે સુરતીઓને ચૂંટણી પહેલા તેના સાંસદ મળી ગયા... તમને લાગતું હશે કે સુરતની ચર્ચા મુકેશ દલાલને કારણે થઈ રહી છે પરંતુ ના, અહીંયા સુરતની ચર્ચા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાને કારણે થઈ રહી છે.. અને એ નેતા છે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા...
અલ્પેશ કથીરિયા - ધાર્મિક માલવિયા જોડાઈ શકે છે ભાજપમાં!
આ બંને નેતાઓએ થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો હતો.. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો.. આ બંને નેતાઓએ જ્યારથી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારથી એક સવાલ થઈ લોકોના મનમાં હતો, એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર વહેતા થયા છે કે બહુ જલ્દી તેઓ કેસરિયો ધારણ કરી શકે છે..
200 કાર્યકર્તાઓ જોડાશે ભાજપમાં!
મળતી માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં પાસના કાર્યકરોની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે.. ભાજપમાં ના માત્ર આ બે નેતાઓ જોડાશે પરંતુ તેમની સાથે 200 કાર્યકર્તાઓ પણ જોડાઈ શકે છે... મહત્વનું છે કે ગુજરાતમાં પક્ષપલટો કરવો જાણે સામાન્ય બની ગયું છે. છેલ્લા થોડા સમયમાં અનેક રાજનેતાઓએ પક્ષપલટો કરી લીધો છે. અનેક ધારાસભ્યોએ પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કરી લીધો છે.. ત્યારે જોવું રહ્યું કે આપના પૂર્વ નેતાઓ કેસરિયો ધારણ કરે છે કે નહીં?