ગુજરાત અને દેશભરમાં ખળભળાટ મચાવી દેનારા સુરત દુષ્કર્મ કેસમાં અંતે આશારામ બાપુને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટ આ મામલે આવતીકાલે સજાની જાહેરાત કરશે. વર્ષ 2013માં આસારામ સામે સુરતની એક યુવતી દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને કસુરવાર ઠરાવ્યા છે. આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે, તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટ કમિશન દ્વારા જોધપુર કોર્ટમાં જઈને આસારામની સહી પણ લેવામાં આવી હતી.
સુરત દુષ્કર્મ કેસ શું છે?
સુરતની બે મહિલાઓએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા આ મહિલાઓનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો થયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો છે. જ્યારે નારાયણ સામે સુરતની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
8 વર્ષથી જોધપુરની જેલમાં બંધ
સુરત દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા આસારામ બાપુ હાલ જોધપુર જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમણે જામીન અરજી કરી હતી પણ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. ગાંધીનગર સેસન્સ કોર્ટમાં ચાલી રહેલા દુષ્કર્મ કેસ માટે આજે આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવ્યા હતા.