રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ એ હદે વધી ગયો છે કે લોકો મોતને વ્હાલુ કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વ્યજખોરોના આતંકની ફરિયાદો પણ વધી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વ્યાજખોરોને ચેતવણી આપતું નિવેદન કર્યું છે. વ્યાજખોરોના વધતા આતંક સામે પોલીસ પણ હવે એક્સનમાં આવી છે. સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે તવાઈ બોલાવી છે. અમદાવાદ પોલીસે વ્યાજખોરોના ત્રાસ અને વ્યાજખોરીને અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 31 જાન્યુઆરી સુધી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતમાં વ્યાજખોરોની ધરપકડ
સુરત પોલીસે વ્યાજખોરો સામે કડક હાથે કામ લેતા છેલ્લા 10 દિવસમાં 103 ગુના નોંધીને 111 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી છે. જ્યારે 26 વોન્ટેડ જાહેર કરાયાં છે. પાંચથી 15 ટકા વ્યાજ વસૂલતા વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે વ્યાજખોરો સામેની ડ્રાઈવ આમ તો 2022ના ઓક્ટોબર મહિનાથી ચાલુ છે. પરંતુ લોકો સામે નહીં આવતાં છેવટે સરકાર તરફથી આ કાર્યવાહી કરવાની શરૂ કરવામાં આવી હતી. 2022ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં 53 કેસ નોંધવામાં આવ્યા હતાં અને 72 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.