રાજ્યમાં સ્પાના નામે દેહવ્યાપારના ગોરખધંધા ચાલે છે, તમામ મોટા શહેરોમાં નેપાળી, બાંગ્લાદેશી, રશિયન કે થાઈલેન્ડની મહિલાઓને સ્પામાં મસાજના નામે રાખવામાં આવે છે અને બાદમાં તેમને દેહવ્યાપાર માટે મજબુર કરવામાં આવે છે. સુરત, અમદાવાદ અન રાજકોટમાં સ્પાના નામે દેશી અને વિદેશી મહિલાઓનું શારિરીક શોષણ કરવામાં આવે છે. સ્પા સેન્ટરના લેભાગુ સંચાલકો લોહીનો વ્યાપાર કરીને મબલખ કમાણી કરે છે, અને આ બધુ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ થતું હોય છે. જો કે હવે રાજ્ય સરકારે સ્પા સેન્ટરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ સામે કડક હાથે કામ લીધું છે તેથી પોલીસ પણ આળસ ખંખેરીને કામે લાગી છે. સુરતની ઉમરા પોલીસે ડુમસ રોડ પર આવેલા એક સ્પામાં રેડ પાડી હતી. પોલીસે બાતમીના આધારે રેડ પાડતામાં તેમના ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો હતો.
થાઈલેન્ડની મહિલાઓને મુક્ત કરાવી
સુરતના ડુમસ રોડ પર આવેલા એસ.એન.એસ એનર્જી બિલ્ડીંગમાં રેડ પર્લ સ્પા છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. ઉમરા પોલીસને અહીં સ્પાની આડમાં દેહ વ્યાપાર થતો હોવાની માહિતી મળી હતી. જેને લઇ પોલીસને મળેલી બાતમીના આધારે રેડ પર્લ સ્પામાં છાપો માર્યો હતો. આ ખાનગી સ્પામાં થાઇલેન્ડની મહિલાઓને ગ્રાહકો પાસે મસાજ કરવાના બહાને દેહ વ્યાપર કરાવવામાં આવતો હતો. ઉમરા પોલીસે દરોડા પાડી થાઇલેન્ડની મહિલાઓને દેહ વ્યાપરમાંથી મુક્ત કરાવી હતી અને પોલીસે દેહ વ્યાપાર કરાવનાર બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે સ્પા સંચાલકને વોન્ટેડ જાહેર કરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
બે આરોપીની ધરપકડ
ઉમરા પોલીસ પાસેથી મળતી વધુ વિગત મુજબ સ્પા અને મસાજ પાર્લર હેઠળ દેહવિક્રયનો ગેરકાયદે ધંધો થતો હોવાની બાતમી ઉમરા પોલીસને મળતા પોલીસે ડુમસ રોડ સ્થિત સેન્ટ્રલ મોલની સામે એસ.એન.એસ. એનર્જી બિલ્ડીંગના પહેલા માળે રેડ પર્લ સ્પામાં છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસની કાર્યવાહી દરમિયાન સામે આવ્યું હતું કે, ગ્રાહકોને વિદેશની થાઇલેન્ડની યુવતીઓ પાસે મસાજ કરાવવાના બહાને દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો. ત્યારે પોલીસે અહીં રેડ કરી છ જેટલી વિદેશી થાઇલેન્ડની મહિલાઓને દેહવિક્રયના ધંધામાંથી મુક્ત કરી હતી.
સ્પાનો માલીક કમલેશ લક્ષ્મણ ચૌધરીને વોન્ટેડ
સુરતના ડુમસ રોડ ઉપર આવેલા એસ.એન.એસ એનર્જી બિલ્ડીંગમાં ધમધમતા રેડ પર્લ સ્પાના સંચાલક દ્વારા દેહ વ્યાપાર કરતી થાઇલેન્ડની મહિલાઓને ગ્રાહકો પાસે મસાજ કરવાના બહાને શરીર સુખ માણવાની સવલતો પુરી પાડવામાં આવતી હતી. જે અંગે ઝોન-4 એલસીબી અને ઉમરા પોલીસને મળેલી બાતમીના આધારે રેડ પર્લ સ્પામાં છાપો માર્યો હતો. પોલીસે છ મહિલાઓ અને સંચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સ્પાના સંચાલક દ્વારા થાઈ મહિલાઓને મસાજ કરવા અર્થે રાખીને ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલત પુરી પાડી કુટણખાનું ચલાવવામાં આવતું હતું. તેમજ ગેરકાયદે પ્રવૃતિ કરનાર પ્રમોદ યાદવ અને અન્ય એક યુવકની ધરપકડ કરી છે. જ્યારે રેડ પર્લ સ્પાનો માલીક કમલેશ લક્ષ્મણ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે સ્પામાંથી એક મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
હર્ષ સંઘવીએ આપી હતી કડક સુચના
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા તા.17 ઓક્ટોબરના રોજ તમામ પોલીસ અધિક્ષકોએ/રેન્જ અધિકારીઓ/પોલીસ કમિશનરઓ/સંયુક્ત પોલીસ કમિશનરઓ તથા નાયબ પોલીસ કમિશનરઓ સાથે વીડીયો કોન્ફરન્સ યોજીને ગેરકાયદેસર સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે સમગ્ર રાજ્યમાં તા.18 ઓક્ટોબરથી આવા શંકાસ્પદ સેન્ટરો પર દરોડા પાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવામાં આવશે.