યુવરાજસિંહને લઈ સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ હાલ ચર્ચામાં છે. પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસતા હોવાની વાત યુવરાજસિંહે આપી હતી. આ મામલે યુવરાજસિંહ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. ત્યારે સુરત પોલીસે તો આ પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડી પાસ કરવાવવાનું કૌભાંડ યુવરાજસિંહે કરાવ્યું હોય તેવું ટ્વિટમાં દર્શાવ્યું હતું. સુરત પોલીસે ટ્વિટ કર્યું હતું કે 'બોર્ડની પરીક્ષાઓ અને અન્ય ભરતીઓમાં ડમી ઉમેદવારો બેસાડી પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ આચરનાર આરોપી યુવરાજસિંહ જાડેજાના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભાને દબોચી લેતી સુરત શહેર પી.સી.બી. તથા ભાવનગર SITની ટીમ.' ત્યારે આ ટ્વિટને લઈ ચર્ચા ચાલી રહી છે. મહત્વનું છે કે યુવરાજસિંહના સાળા કાનભાને સુરત પોલીસે ઝડપી પાડ્યો હતો.
યુવરાજસિંહ પર લાગ્યો હતો પૈસા લેવાના આરોપ!
ડમીકાંડ મામલે રોજે નવા નવા અપડેટ આવી રહ્યા છે. યુવરાજસિંહે પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાની વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેને અનેક લોકોને પોલીસે ઝડપી પણ પાડ્યા હતા. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવરાજસિંહે નામ ન લેવા માટે પૈસા લીધા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
સુરતથી ઝડપાયો હતો યુવરાજસિંહનો સાળો!
ભાવનગર એસઓજીએ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. જ્યારે પોલીસ સમક્ષ હાજર થતા તે દરમિયાન અનેક કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહના સાળાનું નામ પણ આ કેસમાં સામે આવ્યું હતું. સુરતથી યુવરાજસિંહના સાળાને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે સુરત પોલીસનું ટ્વિટ સામે આવ્યું છે જેમાં ડમીકાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહને જ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.