24 મે 2019ના દિવસે સુરતના પરિવારોના 22 જેટલા નાના બાળકોના મોત થઈ ગયા હતા. કોઈકનો દિકરો ગયો તો કોઈકની દિકરી ગઈ. સુરતની તક્ષશિલા આર્કેડ ભડકે બળી રહી હતી ત્યારે આ કરુણ ઘટનાનો પણ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં લાભ કેવી રીતે લેવો તેવા વિચારો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તક્ષશિલાને સ્મારક જાહેર કરવાની જાહેરાત થઈ રહી હતી ત્યારે કોઈ નિર્ણય ના લેવાયો જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી કે તરત જ તક્ષશિલાને સ્મારક જાહેર કરવાની જાહેરાત કરી દીધી છે.....
ચૂંટણી સમયે સુરત મેયરને તક્ષશિલા કાંડ યાદ આવ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે તેની વચ્ચે મતદારોમાં કેમ વધારો કરવો તે પણ રાજકીય પક્ષોએ વિચાર કરવાનું શરૂ કરી દીઘું છે. સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલા મારફતે જાહેરાત કરાઈ છે કે સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની યાદમાં સ્મારક બનાવવામાં આવે. તક્ષશિલા એ જ જગ્યા છે જ્યાં 24 મે 2019ના ગોજારા દિવસે આગ લાગતા 22 વિદ્યાર્થીઓનાં મૃત્યું થયાં હતા. ફૂલ જેવા બાળકો પોતાના ભવિષ્યના સપના જોવા માટે ટ્યૂશન ક્લાસમાં ભણી રહ્યા હતા અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના ગેરકાયદેસર ટ્રાન્સફોર્મરના કારણે આગ લાગે છે. આ આગ સૌથી ઉપરના માળ પરના આર્ટ અને ક્રાફ્ટના ક્લાસના શેડમાં લાગે છે. જેના પરિણામે આગ વધારે તિવ્રતાથી પ્રસરી અને 22 બાળકોનું કૂદવાથી, ગૂંગળામણથી અને ભડથું થઈને મોત થયું હતું.
તક્ષશિલાને સ્મારક જાહેર કરાશેઃ સુરત મેયરભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે અને સુરતના મેયરે જાહેરાત કરી છે. મેયર હેમાલી બોઘાવાલાએ જાહેરાત કરી હતી કે તક્ષશિલાને સ્મારક જાહેર કરવામાં આવશે. સુરતના લોકોનું આ મામલે માનવું છે કે પાટીદારોને મનાવવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી તક્ષશિલાને સ્મારક જાહેર કરવાની જાહેરાત થઈ રહી હતી પરંતુ કોઈ નિર્ણય લેવાયો ના હતો અને ચૂંટણી નજીક આવી એટલે તરત નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો.
તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ફાયર ફાઈટરો ત્યાં પહોંચે છે. ફાયર ફાઈટરોએ બચાવ કામગીરી માટે અંદર પહોંચે તેવી સીડી તેમના વાહનમાં ખોલી પરંતુ તે સીડી ખુલી જ ના હતી. જોત જોતામાં આગ પ્રસરે છે અને ત્યારબાદ જે થયું તેણે ગુજરાતના સત્તાધીશો પર કલંક લગાવી જ દીધો છે. ત્યાર બાદથી અત્યાર સુધી સુરતના સત્તાધીશોને તક્ષશિલા કાંડ ભૂલાઈ ગયો હતો. અચાનક ચૂંટણી નજીક આવતા કરુણ પરિસ્થિતિનો વોટમાં લાભ લેવા સ્મારકની જાહેરાત કરી દેવામાં આવી છે. અમેં સવાલ પૂછીએ છીએ કે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા સૂતી હતી કે બદામ ખાવાનું ભૂલાઈ ગયું હતું અને તક્ષશિલા કાંડ ભૂલાઈ ગયો હતો? ચૂંટણી નજીક આવતા જ આવા નિર્ણયો યાદ આવે છે? અત્યાર સુધી માગણીઓ કરવામાં આવી રહી હતી ત્યારે સુરત મહાનગરપાલિકાએ કોઈ ધ્યાન ના દીધું હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી ત્યારે મતનો લાભ ખાટવા માટે તરત નિર્ણય કરી દેવામાં આવ્યો છે કે તક્ષશિલાને સ્મારક જાહેર કરવામાં આવે. ગુજરાતને એવી ઉંચી સીડીની જરૂર છે જેનાથી આવી પરિસ્થિતિમાં લોકો પોતાનો જીવ બચાવીને બહાર નીકળી શકે. જો આવા નિર્ણયો લેવામાં આવશે તો તક્ષશિલા જેવો કોઈ કાંડ ગુજરાત કે દેશમાં નહીં થાય. ચૂંટણી નજીક આવતા જાહેરાત કરાઈ છે તેનો મતલબ પાટીદારોના મત મેળવવા છે. નિર્ણય સારો છે પરંતુ નિર્ણય લેવા પાછળનો આશય સારો નથી તેવું સુરતના લોકોનું માનવું છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.