ગુજરાતમાં લોકસભા બેઠકો 26 છે પરંતુ મતદાન સંપન્ન થાય તે પહેલા સુરત લોકસભા બેઠકને પોતાના સાંસદ મળી ગયા છે... બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. તે બાદ રાજનીતિ ગરમાઈ.. અલગ અલગ રાજનેતાઓની પ્રતિક્રિયા સામે આવી.. સોશિયલ મીડિયા પર સુરત ટ્રેન્ડ થવા લાગ્યું.. આ આખી ઘટના જાણે સ્ક્રીપ્ટેડ હોય તેવું લાગી રહ્યું છે..! આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં તેઓ કેસરિયો ધારણ કરી શકે છે...
ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ
રાજ્યમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ જામ્યો હોય તેવું લાગ્યું છે. કેટલી બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતની 26 બેઠકો માટે 266 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો.. ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ ભલે હતો પરંતુ સુરતથી જે સમાચાર સામે આવ્યા તે ચોંકાવનારા હતા.. છેલ્લા એક બે દિવસથી સુરતથી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. તેમના ઉમેદવારી ફોર્મને લઈ પ્રશ્નો ઉઠ્યા હતા.. સુરતમાં જે ખેલ ખેલાયો તે આપણાથી છુપો નથી..
નિલેશ કુંભાણી ગમે ત્યારે કેસરિયો કરી શકે છે ધારણ
પહેલા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું, તે બાદ ધીરે ધીરે ફોર્મ પરત ખેંચવામાં આવ્યા.. બસપાના ઉમેદવારે પણ અંતે ફોર્મ પરત ખેંચી લીધું અને અંતે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા અને તેમને જીતનું સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું... આ બધુ તો આપણે જાણીએ છીએ પરંતુ આમાં નવાઈની વાત એવી છે કે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈન્ડિયા ગઠબંધનના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે... તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે તેમના સ્વાગતની તૈયારીઓ પણ થઈ ગઈ છે... મહત્વનું છે કે આની પહેલા અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ઉમેદવાર રોહન ગુપ્તા પણ થોડા સમય પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે.
સુરતમાં જે ઘટના બની તેને લઈ અનેક સવાલો ઉભા થાય....
મહત્વનું છે કે સુરતમાં જે ઘટના બની તેને લઈ અનેક સવાલો ઉઠ્યા છે... કાં તો નિલેશ કુંભાણીએ ખોટી સહી કરી અને ખોટી નોટરી થઈ, કાં તો ટેકેદારોએ ખોટી એફિડેવીટ કરી... એક સાથે બંને સાચા ના હોઈ શકે.. મહત્વનું છે કે સુરતમાં રાજનેતાઓએ જે ખેલ ખેલ્યો તેવો ખેલ કોઈ બીજાએ ખેલ્યો હોત તો કાયદાકિય રીતે કાર્યવાહી કરવામા આવતી.. પરંતુ શું આ કેસમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? આ કેસમાં કોણ ખોટું છે તેની તપાસ કરવામાં આવશે? સવાલ ઘણા છે પરંતુ અપેક્ષા એટલી છે કે લોકતંત્ર પર રહેલો વિશ્વાસ તૂટી ના જાય..!