હજી સુધી એવું કહેવાતું હતું કે ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થવાનું છે પરંતુ હવે 25 બેઠકો પર મતદાન થશે કારણ કે મતદાન થયા વગર સુરતને તો સાંસદ મળી ગયા! છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ લોકસભા બેઠકની વાતો થતી હતી પરંતુ સુરત લોકસભા બેઠક ચર્ચામાં ત્યારે આવી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈ સવાલો ઉઠ્યા.. આ બાદ તેમનું ફોર્મ રદ્દ થયું, બાકીના જે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું તેમણે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું અને ભાજપના ઉમેદવાર બિન હરીફ જાહેર થઈ ગયા.. આની પર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.
સુરતીઓને મતદાન કર્યા વગર મળી ગયા સાંસદ
ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર મતદાન થવાનું હતું. ઉમેદવારોના નામની ઘોષણા પણ કરી દીધી હતી. ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયા અને અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત પણ ખેંચી લીધા અને અમુક ઉમેદવારોના ફોર્મ રદ્દ પણ થઈ ગયા. ત્યારે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મ રદ્દ થઈ અને બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત લઈ લીધું હતું. બિનહરીફ ઉમેદવાર જાહેર થતાં ભાજપના ઉમેદવાર મતદાન થાય તે પહેલા જ સાંસદ બની ગયા છે.
સુરતમાં બનેલી ઘટના પર ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા
ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સુરત બેઠક પર જે ઘટના ક્રમ થયો છે અને ભાજપે સરેઆમ લોકતંત્રની હત્યા કરીને સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને સુરતના નાગરિકો પાસેથી તેમનો મતદાનનો અધિકાર છીનવી લીધો છે અને એનાથી દુખદ કઈ હોઈ ન શકે. હવે ગુજરાતની અન્ય 25 બેઠકોના મતદારો પર લોકતંત્રની રક્ષા કરવાની જવાબદારી છે..