વિદેશ જવાનો શોખ અનેક યુવાનોને હોય છે.. વિદેશ જઈ સેટલ થવાના સપના, પોતાનું કરિયર બનાવવાના સપના અનેક યુવાનોને હોય છે.. અનેક એવા પરિવારોના ઉદાહરણો આપણી સામે છે જે આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં પોતાના સંતાનને વિદેશ મોકલે છે માત્ર તેમના સપનાને પૂર્ણ કરવા માટે.. સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...
સંતાનના સપના પૂરા કરવા માટે માતા પિતા કરતા હોય છે દેવું
આપણા શાસ્ત્રોમાં માતા પિતાને ભગવાન કરતા પણ ઉંચો દરજ્જો આપવાની વાત કહેવામાં આવી છે... આપણે ત્યાં કહેવાય છે કે માતા પિતાને ખુશ રાખીએ તો ઈશ્વર પણ ખુશ થઈ જાય છે... સંતાનના સપના પૂરા કરવા પાછળ માતા પિતા કોઈ પણ હદને વટાવી શકે છે.. મોટામાં મોટું જોખમ પણ તે ઉઠાવી લેતા હોય છે માત્ર એટલા માટે કારણ કે તેમના સંતાન ખુશ રહે... અનેક એવા પરિવારો છે જેમણે દેવું કરીને પોતાના સંતાનને વિદેશ મોકલ્યા હોય છે.. એવી આશા હોય છે કે તે દેવું ચૂક્તે કરવામાં મદદ કરશે..
દીકરાનું દેવું ચૂકવવા માટે ચુનીભાઈએ....
સુરતના સરથાણાથી એક ઘટના સામે આવી જેમાં પોતાના સંતાન પિયુષને કેનેડા મોકલવા માટે ચુનીભાઇ ગેડિયા નામના વૃદ્ધે લાખો રૂપિયા ભેગા કર્યા....પિયુષની ઉપર થઈ ગયેલા દેવાને ચૂકવવા માટે પોતાની પાસે રહેલાના દાગીના તેમજ કેશ આપ્યા પરંતુ પિયુષને મદદ કરવા માટે સગાસંબંધીઓ પાસેથી વ્યાજે રૂપિયા પણ લઈ આવ્યા હતા. વૃદ્ધ દંપતીને લાગતું હતું કે દીકરો કેનેડા જશે અને કમાઈને આ દેવું ચૂકવશે.
માતા પિતાને મળવા ના આવ્યો પિયુષ
પૈસા ચૂકવવાની તો દૂરની વાત રહી પરંતુ પિયુષ તો ત્યાં જઈને માતા પિતાને જ ભૂલી ગયો.. સ્યુસાઈડ નોટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે થોડા સમય પહેલા પિયુષ તેની પત્ની પાયલ અને દીકરો ક્રિશ સુરત આવ્યા હતા ત્યારે પણ માતા-પિતાને મળવા તે ના આવ્યા.. જે દીકરા માટે માતા પિતાએ પોતાનું સર્વસ્ય ન્યોછાવર કરી દીધું તે દીકરો જ્યારે મોઢું ફેરવી લે ત્યારે તે વાલીઓની શું દશા થતી હશે?
માતા પિતાએ આત્મહત્યા કરી પસંદ!
સ્યુસાઈડ નોટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમની પાસેથી તેમણે પૈસા લીધા હતા તેઓ કોઈએ પણ ક્યારેય ઉઘરાણી નથી કરી.. પુત્ર દ્વારા કરવામાં આવેલા વર્તનને તે સહન ના કરી શક્યા... અને અંતે આ પ્રકારનું પગલું તેમણે ભર્યું. મોતને વ્હાલું કરવાનું તેમણે પસંદ કર્યું..
માતા પિતાને આશા હોય છે કે...
સંતાનોને માતા પિતાના વૃદ્ધાવસ્થાનો સહારો માનવામાં આવે છે... માતા પિતા જ્યારે ઘરડા થશે ત્યારે તે તેમની સંભાળ લેશે તેવા સપના તે જોતા હોય છે... આખી જીંદગી બાળકો પાછળ માતા પિતા ખર્ચી નાખે છે અને અંતે તેમને સાંભળવું પડે છે કે તમે અમારા માટે કર્યું શું છે? આપણે પરિવારમાં માનનારા લોકો છે.. પરિવારથી હૂંફ મળે છે અને એટલા માટે જ લોકો એકસાથે રહેવાનું પસંદ કરે છે.. પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે સવાલ અનેક થાય છે...
માત્ર સ્મૃતિઓમાં રહે તે પહેલા તેની...
વૃદ્ધાશ્રમમાં રહેતા માતા પિતાઓ સાથે પણ મુખ્યત્વે આવી જ કંઈક ઘટનાઓ બની હોય છે... કહેવાની વાત એટલી જ કે જ્યાં સુધી માતા પિતા જીવે છે ત્યાં સુધી સમય પસાર કરી લો કારણ કે જ્યારે તે નહીં હોય ત્યારે આપણને જ તેમની સૌથી વધારે યાદ આવશે...