સુરતમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાને કારણે અનેક કામદારો દાઝ્યા છે જ્યારે 7 કામદારોના મોત નિપજ્યાં છે. આ આગની ઘટનાની ચર્ચા ગુજરાતભરમાં થઈ રહી છે. આ મામલે કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જીપીસીબીએ કેમિકલ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે ઉપરાંત 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કંપનીને ફટકારવામાં આવ્યો 50 લાખનો દંડ!
આગ લાગવાને કારણે અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે એક દુર્ઘટના સુરતમાં બની હતી જેમાં સાત કામદારોના મોત થઈ ગયા. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કામદારના પરિવારને વ્યક્તિદીઠ 50 લાખ રુપિયાના વળતરની અને મૃતકોના બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવશે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં અનેક કામદારો દાઝ્યા છે અને એમાંથી અનેક કામદારોની હાલત ગંભીર છે. ક્લોઝર નોટિસ તેમજ દંડ કંપનીને ફટકારવામાં આવ્યો છે.
ફાયર વિભાગની ટીમ કરી રહી છે ચેકિંગ
સુરતમાં આગની ઘટના બની તે બાદ ફાયર વિભાગની ટીમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. જીઆઈડીસીમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ફાયર સેફ્ટી છે કે નહીં તેને લઈ ડ્રાઈવ શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. ચેકિંગ દરમિયાન જો ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નથી થતું તો તેને સિલ કરવામાં આવી રહી છે. સતત ચોથા દિવસે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આવું ચેકિંગ જો પહેલા કરવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના ના બની હોત. કામદારોના જીવ ન ગયા હોત અને બીજા કામદારોના જીવ પર સંકટ ન રહ્યું હોત. ખેર મોડા તો મોડા પરંતુ તંત્ર જાગ્યું તો ખરૂં તેનો આનંદ છે!