ખરાબ રોડ રસ્તાની વાત, રસ્તા પર પડેલા ખાડાની વાત તેમજ રિક્ષામાં ઘેંટા બકરાની જેમ ભરેલા લોકોની વાત તો અમે અનેક વખત કરતા હોઈએ છીએ. દર વખતે અલગ અલગ કરતા હોઈએ છીએ. ખરાબ રસ્તાની અલગ સ્ટોરીમાં અને રિક્ષામાં ઘેંટાની જેમ ભરાતા લોકોની અલગ સ્ટોરી કરતા હોઈએ છીએ. પરંતુ આજે થયું બંને સ્ટોરી એક સાથે કરીએ કારણ કે સુરતથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં બંનેની વાત એકસાથે થઈ શકે છે.
રિક્ષામાં ઘેંટા બકરાની જેમ ભર્યા હોય છે વિદ્યાર્થીઓ
શાળા સુધી વિદ્યાર્થીઓને લાવા લઈ જવા માટે વાલીઓ રિક્ષા બંધાવતા હોય છે. રિક્ષામાં બેસીને વિદ્યાર્થીઓ સ્કૂલે તો પહોંચી જાય અને પાછા ઘરે પણ આવી જતા હોય છે પરંતુ સ્કૂલે કેવી રીતે જતા હોય છે કદાચ તેની જાણ તેમના વાલીઓને નહીં હોય.રિક્ષામાં ઘેંટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. તેની ચર્ચા અનેક વખત કરી. એક રિક્ષા એટલા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય છે કે વિદ્યાર્થીઓને સરખી રીતે બેસવાની જગ્યા પણ નથી મળતી. બાળકો એટલા સંકોચાઈને બેઠા હોય છે જે જોઈને કદાચ આપણને દયા આવી જાય. જે રિક્ષા બાળકોને શાળા સુધી પહોંચાડે છે જો તેને અકસ્માત નડે તો દેવી દશા થાય તેનો ખ્યાલ આવે છે? વાલીઓને પોતાના સંતાનોને ગુમાવવાનો વારો આવે. જે રીતે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે તે તદ્દન ખોટુ છે. વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખવાનો હક કોઈને નથી.
રસ્તા પર પડેલા ખાડાને કારણે પલટી આખી સ્કૂલ રિક્ષા!
આ ઉપરનો જે વીડિયો જોયો તે સુરતનોના સાયણનો છે. વીડિયોમાં દેખાય છે કે રસ્તા પરથી જ્યારે રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં ખાડો આવે છે. ખાડો એટલો ભયંકર હતો કે આખી રિક્ષા પલટી મારી ગઈ. રિક્ષા પલટી જવાથી નાના નાના ભૂલકાઓ દબાઈ ગયા. આ દ્રશ્યો જોઈ આસપાસના લોકો રિક્ષાને ઉભી કરવા ત્યાં આવી ગયા અને રિક્ષાને સીધી કરી દીધી. જો આ દુર્ઘટનામાં બાળકોને થઈ ગયું હોત તો જવાબદાર કોણ હોત?
ખરાબ રસ્તાને કારણે લોકો બન્યા છે ત્રસ્ત
સામાન્ય દિવસોમાં પણ રસ્તાની હાલત એકદમ દયનિય હોય છે. રસ્તા પર અનેક ખાડાઓ જોવા મળતા હોય છે. ત્યારે હમણાં જ ચોમાસાની સિઝન પૂર્ણ થઈ છે. આ દરમિયાન રસ્તા પર ખાડારાજ જોવા મળતું હોય છે. ખરાબ રસ્તાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ખરાબ રસ્તાને કારણે વાહનોને તો નુકસાન પહોંચે છે પરંતુ શરીરને પણ નુકસાન પહોંચે છે. ત્યારે ખરાબ રસ્તાનું સમારકામ પણ કરાવું જોઈએ ઉપરાંત આવા રિક્ષા ચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ.