ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની સરકાર સામે કર્મચારી આંદોલનો વધી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની લોક લુભાવક ગેરન્ટી યોજનાઓ લોકોને આકર્ષી રહી છે. જનતાને વિવિધ ગેરેન્ટી આપનારી યોજનાઓ હવે ભાજપના કાર્યકરોને પણ આકર્ષી રહી છે. આવતી કાલે કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપમાં મોટું ઓપરેશન પાર પડ્યું છે. ભાજપના 500થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
સુરત ભાજપમાં ગાબડું
ગુજરાતની સામાન્ય જનતા જ નહીં પરંતુ બીજી પાર્ટીના લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. આજે ભાજપના 500થી વધુ કાર્યકર્તાઓ એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં આયોજિત પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી રાજકુમાર સિંહ, સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને નવસારી લોકસભા પ્રમુખ ઈ.કે.પાટીલના હસ્તે 500થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.
AAPના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ
આમ આદમી પાર્ટીએ પંજાબમાં સત્તા પ્રાપ્ત કર્યા બાદ હવે પાર્ટીના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ છે. આપના નેતા અરવિંદ કેજરીવાલની નજર હવે ગુજરાત પર છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીએ 182 બેઠક માંથી 29 બેઠક ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. ગુજરાતની જનતાને વિવિધ ગેરેન્ટી આપી અને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગુજરાતમાં ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઇનના માધ્યમથી લોકોના ઘર સુધી ‘આપ’ની વિચારધારા પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીની રણનીતિ જનતા કેટલી પસંદ કરે છે તે આગામી ચૂંટણીના પરિણામમાં જ ખબર પડશે. પરંતુ અત્યારે ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે.