પ્રેમિકાના વળગણથી છૂટવા ઠંડા કલેજે સુરજ ભુવાએ પ્રેમિકાને પતાવી, પોલીસે આ રીતે કાવતરાનો ભાંડો ફોડ્યો


  • Published By :
  • Published Date : 2023-05-28 22:21:03

લવ સ્ટોરીનું નામ પડતા આપણા સૌના મગજમાં શું વિચાર આવે? કે જેમાં એક પ્રેમી હોય એક પ્રેમિકા હોય, બંને સાથે ઘર વસાવવાના સપના જુએ.. પરંતુ એ પ્રેમીઓ તો ફિલ્મોમાં અને નવલકથાઓમાં જોવા મળે.. વાસ્તવિકતા એ નથી..અત્યારના સમયમાં લવસ્ટોરી ક્યારે હેટસ્ટોરીમાં ફેરવાય અને હેટસ્ટોરી પરથી ક્રાઇમ સ્ટોરીમાં ક્યારે પલટાઇ જાય..તે કહી શકાય એમ નથી..  આજની ક્રાઇમસ્ટોરીમાં વાત તો પ્રેમસંબંધની છે પરંતુ આ સંબંધમાં પ્રેમ જેવું તો કંઇ હતું જ નહિ, હતું તો ફક્ત એકબીજા પ્રત્યેનું ઝેરીલું વળગણ, સ્વાર્થવૃત્તિ, વ્યભિચાર, દગો, અને અંતે ખૂન. જૂનાગઢની ધારા નામની એક યુવતીની સુરજ સોલંકી નામના માણસ સાથે મુલાકાત થાય છે..    અને તેને પ્રેમ કરવા લાગે છે.. ધારા એક 22  વર્ષની અનાથ યુવતી છે જે તેના ભાઇ સાથે રહેતી હોય છે..અને સુરજ સોલંકી પોતે ભુવો હોવાની ઓળખ આપી દોરા-ધાગા, કરે.. મંત્રવિદ્યા કરી લોકોને મેલડીમા સાક્ષાત હોવાનું કહી લોકોના ઘરમાં જાય અને  ધૂણે.. સૂરજ સોલંકી પહેલેથી પરિણીત અને એક  સંતાનનો બાપ હતો..  જેની ધારાને પહેલેથી ખબર પણ હતી.. પરંતુ તે તેના પ્રેમમાં, તેના મોહમાં અંધ થઇ ગઇ અને તેની લાગણીઓ ક્યારે એક ઝેરીલા વળગણમાં પલટાઇ ગઇ એનું તેને પોતાને ભાન ન રહ્યું..તે પોતે પણ માતાપિતા વગરની હતી.. કોઇ તેને સમજાવવા વાળું પણ ન હતું કે તે એક લફરાબાજ વ્યક્તિ સાથે જીવન વિતાવવાના સપના જોઇ એક ગંભીર ભૂલ કરી રહી છે.. તે જે કરી રહી છે તેનું આગળ જતા શું પરિણામ આવી શકે.. અને સૂરજ ભુવાને તો જાણે આ જ જોઇતું હતું.. સુરજ ભુવાએ તેના વળગણ અને લાગણીઓનો ફાયદો ઉઠાવ્યો અને પ્રેમસંબંધના ઓઠા હેઠળ તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા.. ધારા વારંવાર સુરજને મળવા બોલાવતી,  દબાણ કરતી કે તે તેના પરિવારને છોડી દે.. બંને સંબંધોમાં એટલા આગળ વધી ગયા હતા કે એક ઘર રાખીને લિવઇનમાં પણ રહેવા લાગ્યા હતા.. સુરજ જ્યારે તેની પત્ની અને સંતાનો પાસે જતો ત્યારે ધારા તેની સાથે ઝઘડો કરતી, બૂમરાણ મચાવતી, એટલી હદ સુધી કે તે પોતાના શરીર પર કાપા મારતી પોતાની જાતને જ ઇજા પહોંચાડતી જેથી સુરજ તેની પાસે પાછો આવે.. બીજી તરફ સુરજને ધારાના આ વળગણથી પરેશાની થવા લાગી હતી..  તેને ધારા સાથે પીછો છોડાવવો હતો.. સુરજને જે જોઇતું હતું એ તો ધારા પાસેથી તેને મળી ગયું હતું.. લિવ ઇનમાં રહેતા બંને લોકોનો સંબંધ કોઇ પતિ પત્નીથી કમ નહોતો. ધારાને ખાતરી થઇ ગઇ હતી કે સુરજ તેના પરિવારને નહિ છોડે એટલે તેણે સુરજ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવી..  ધારાએ સુરજ  સામે કેસ કરી દેતા સુરજ બરાબરનો ફસાયો હતો..તેના મગજમાં ધીમે ધીમે એક વિચાર  આકાર પામી રહ્યો હતો.. કે કઇ રીતે ધારાથી છુટકારો મેળવવો.. એક વ્યવસ્થિત પ્લાનીંગની તેને જરૂર હતી.. જે માટે તેની પાસે માણસો પણ હતા.. દુષ્કર્મના કેસ બાદ  સુરજ પતાવટના ઝોનમાં આવી ગયો હતો.. તેણે તેના સોશિયલ મીડિયા પર એક  વીડિયો પણ અપલોડ કર્યો હતો જેમાં તે ધારાની દરેક ડિમાન્ડ પૂરી કરતો હોવાનું કહ્યું.. અને ધારા તેને બ્લેક મેઇલ  કરી તેની પાસે 25 લાખ રૂપિયા અને ફ્લેટની માગણી કરી હોવાનું કહ્યું..  આ બાજુ ધારાએ પોતે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે..તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવેછે અને તે સોશિયલ મીડિયા પર સુસાઇડ નોટ અપલોડ કરી જેમાં તેણે લખ્યું છે કે સુરજ અને તેના મિત્રો તેને હેરાન પરેશાન કરતા હતા.. આ એ વળાંક છે જ્યાં આ લવસ્ટોરી, હેટસ્ટોરીમાં પરિવર્તિત થઇ રહી છે.. હવે આ સંબંધમાં કોઇ પ્રેમી અને પ્રેમિકા નથી..આ સંબંધમાં લેશમાત્ર પણ પ્રેમ નથી.. આમાં ફક્ત વ્યભિચાર, સ્વાર્થવૃત્તિ અને એકબીજાના પતનની માનસિકતા છે.. અને આ માનસિકતામાંથી રચાય છે હત્યાનું ષડયંત્ર.. 19 જૂન 2022નો એ દિવસ..  જ્યારે ધારાને સુરજ  અને તેનો મિત્ર મીત  અમદાવાદ લઇ જવાનું કહી ગાડીમાં બેસાડે છે.. ચોટીલા પાસે રસ્તામાં સુરજ કાર ઉભી રખાવે છે.. અને મારે એક જગ્યાએ પૈસા લેવા જવાનું છે એમ કહીને ગાડીમાંથી ઉતરી જાય છે.. કારમાં હવે ધારા અને સુરજનો મિત્ર મીત બંને જણા બેઠા છે.. આ દરમિયાન સુરજના ભાઇઓ ત્યાં આવી પહોંચે છે.. અને ધારા સાથે બોલાચાલી કરે છે.. તેને સુરજને છોડી દેવા જણાવે છે.. ધારા પણ સામે તે લોકોને બદનામ કરવાનું , પોતાની પાસે બધા પુરાવા હોવાનું કહી ધાકધમકી આપવાનો પ્રયાસ કરે છે.. આ ઉગ્ર બોલાચાલીમાં સુરજ ગળે ટુંપો આપી ધારાને મારી નાખે છે.. અને તે પછી તેઓ તેની લાશને પેટ્રોલ છાંટી સળગાવી પણ નાખે છે.. તો અહી પ્લાનની 50 ટકા કામગીરી તો પૂર્ણ થઇ જાય છે.. પરંતુ રહસ્ય રહસ્ય જ રહે એ માટે સુરજ અવનવા ઉપાયો અજમાવે છે.. અમદાવાદના  પાલડી પોલીસ સ્ટેશનમાં તે અરજી કરે છે.. કે ધારા ગાયબ થઇ ગઇ છે.. અને અમે તેને શોધી રહ્યા છીએ..આ પ્લાનમાં મીતની માતાને પણ સામેલ કરી તેને ધારાના કપડા પહેરાવી તેને શહેરમાં ફરવાનું કહે છે જેથી તે સીસીટીવીમાં ધારા જઇ રહી હોય તેવી ઘટના કેદ થાય. સુરજના 2  મિત્રો ધારાનો ફોન લઇને મુંબઇ જતા રહે છે.. અને ત્યાંથી સુરજને મેસેજ કરે છે ધારાના ફોનમાંથી કે હું કાયમ માટે તારી જીંદગીમાંથી જતી રહું છું.. મને શોધતા નહિ, હું મરજીથી જાઉં છું..  આ રીતે તેઓ ખોટા પુરાવા ઉભા કરી પોલીસને પણ ચકરાવે ચડાવવાનો પ્રયાસ કરે છે.. પરંતુ આ પ્રયાસોમાં તેમને સફળતા મળતી નથી.. એ કહેવત છે ને કે માણસને તેમના કર્મો તેને ક્યારેય છોડતા નથી.. માણસે કરેલું પાપ છાપરે ચડીને પોકારે જ છે.  કારણકે ઉપરવાળાની જે અદાલત છે.. તે જગતની સર્વોચ્ચ અદાલત છે..  અને એ અદાલતમાં જ્યારે કર્મોનો હિસાબ થાય છે.. ત્યારે માણસને સજા મળીને જ રહે છે.. ઓગસ્ટ 2022માં ધારાનો જે ભાઇ છે તે પોલીસ સ્ટેશનમાં ધારાના ગુમ થવાની ફરિયાદ નોંધાવે છે.. અને  પોલીસ ફરી આ મામલે તપાસ  હાથ ધરે છે.. અને ફોન લોકેશન, એફએસએલ સહિત 8 જેટલા લોકો જે આખી ઘટનામાં સામેલ  હોય  છે તે તમામના નિવેદનમાં પોલીસને મિસમેચ જણાય છે.. આખરે પોલીસની કડક પૂછપરછમાં 8 માંથી એક આરોપી ભાંગી પડે છે.. અને ગુનાની કબૂલાત કરી લે  છે.. 


સુરજ સોલંકીને લોકો સુરજ ભુવો નામથી ઓળખતા હતા અને તેનો દાવો હતો કે તેની અંદર માતા પ્રવેશે છે.. મેલડી માતાનો આશીર્વાદ છે..  જો ખરેખર આ માણસમાં દૈવી તત્વ હોય તો તે આટલું પાપ કરી શકે? અરે માણસની અંદર ભગવાન કે માતાજી તો આખેઆખા  તો શું, તેમના દેવત્વનું એક કિરણ પણ પ્રવેશે તો તે પણ માણસ સહન ન કરી શકે. દેવ એ દેવ છે..  અને મનુષ્ય એ મનુષ્ય છે.. મનુષ્ય એ ઇશ્વરનું સંતાન હોઇ શકે પણ એ ખુદ ઇશ્વર ક્યારેય બની ન શકે. અને જો આટલી સમજ આપણા સૌમાં આવી જાય તો આવા કેટલાય ભુવાઓ અને બાબાઓની હવસની હાટડીઓ આપણે બંધ કરાવી શકીએ. સુરજ ભુવાનું સોશિયલ મીડિયા જ્યારે તમે જુઓ તો એમ થાય કે આ માણસ આપણી મૂર્ખામીનોજ લાભ ઉઠાવીને તેના ઘરની તિજોરીઓ ભરતો હતો.. ફક્ત ઇન્સ્ટાગ્રામ પર તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ જેમાં માટેભાગે મહિલાઓ જ હશે.. માતાજીના નામે તેના કુકર્મનો ભોગ ધારા જેવી કેટલીય મહિલાઓ બની હશે જે લાગણીઓના મોહમાં તણાઇને પોતાની જીંદગી બરબાદ કરી ચુકી હશે.. પરંતુ દરેક લાગણીઓને પ્રેમનું નામ બિલકુલ આપી ન શકાય.. પ્રેમ એ ક્યારેય હિંસા, છેતરપિંડી દગાખોરી કે ન કરી શકે.. પ્રેમ તમારો જીવ ન લઇ શકે.. ન તો તમારામાં જીવ લઇ લેવાની ઇચ્છા  જગાડે.. વળગણ અને પ્રેમમાં આસમાન  જમીનનો ફરક હોય છે..  જેને આ ફરક નથી સમજાતો તે પોતે જ પોતાનું પતન અને વિનાશ નોતરે છે.. અને વ્યભિચારના રવાડે ચડીને જીવનથી હાથ ધોઇ બેસે છે..



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?