દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે સતત સત્તાની ખેંચતાણ ચાલી રહે છે. અધિકારીઓની બદલી અને નિમણૂકના પ્રશ્ને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છતાં હજુ પણ ખટરાગ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ આમ આદમી પાર્ટીની સરકાર વહીવટી અધિકારીઓની બદલીઓ નહીં કરી શકવા લાચાર બની છે. હવે મામલે ફરી એક વખત કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી નવી બેંચની રચના કરશે જે અરજી અંગે સુનાવણી કરશે.
ફરી વિવાદ કેમ વધ્યો?
સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ દિલ્હી સરકારે દિલ્હી સરકાર સર્વિસ ડિપાર્ટમેન્ટના સચિવ આશીષ મોરેની બદલીનો આર્ડર આપ્યો હતો. આપ સરકાર મોરેના સ્થાને 1995 બેચના આઈએએસ અધિકારી અને દિલ્હી જળ બોર્ડના સીઈઓ એકે સિંહને સર્વિસ ડિપાર્ટમેન્ટના સચિવ બનાવવા માગે છે. જો કે કેજરીવાલ સરકારે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર મોરેની બદલીનો અમલ કરી રહી નથી. આ જ કારણે આપ સરકાર ફરીથી સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આપ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા અને તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કોર્ટના અનાદરનો કેસ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ચુકાદો
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે અધિકારીઓની બદલી અને નિમણૂકનો અધિકાર દિલ્હી સરકાર પાસે જ રહેશે. પાંચ જજોની આ બેંચે કહ્યું કે દિલ્હી દેશના અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની જેમ નથી અને દિલ્હી સરકાર પાસે સેવાઓ પર કાયદાકિય અને વહીવટી સત્તા છે. ઉપરાજ્યપાલ સામેની આ લડાઈમાં દિલ્હી સરકારની જીત માનવામાં આવી હતી.