મહિલાઓ અને બાળકોના હિતોની રક્ષા કરતા સુપ્રીમ કોર્ટે આજે બુધવારે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો સંભળાવતા કહ્યું કે મહિલા અને સગીર બાળકોની આર્થિક મદદ કરવી તે પુરૂષની ફરજ છે. પુરુષે પત્ની અને બાળકોના ભરણપોષણ માટે શારીરિક શ્રમ કરીને પણ પૈસા કમાવવા પડશે.
પુરુષ પોતાના કર્તવ્યથી બચી શકશે નહીં-સુપ્રીમ
જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે એક ચુકાદો આપતા કહ્યુ છે કે પતિને શારિરીક શ્રમથી પણ પૈસા કામાવવાની આવશ્યકતા હોય છે, જો તે શારિરીક રૂપે સક્ષમ છે અને તે વિધાનમાં દર્શાવેલ કાયદાકીયરૂપે અનુમતિપાત્ર આધારોને છોડીને પોતાના કર્તવ્યથી બચી શકશે નહીં. બેન્ચે તે પણ કહ્યુ છે કે ગુનાહિત પ્રક્રિયા સંહિતાની ધારા 125 સામાજીક ન્યાયનો એક ઉપાય છે અને વિશેષ રૂપે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ઘડવામાં આવ્યો છે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો ચુકાદો ફગાવ્યો
બેન્ચે ફરીદાબાદની એક ફેમિલી કોર્ટના આદેશને યથાવત રાખીને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચુકાદોની વિરુદ્ધ એક મહિલાની અરજીનો સ્વીકાર કર્યો. બેન્ચે પતિની તરફથી હાજર થયેલ વકીલ દુષ્યંત પરાશરની આ દલીલને ફગાવી દીધી હતી કે તેમનો એક નાનો ધંધો છે, જે બંધ થઈ ગયો છે, તેથી તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી.
પતિને વળતર ચૂકવવા આદેશ
સર્વોચ્ચ અદાલતે વ્યક્તિને દિકરાને 6,000 રૂપિયા અને પત્નીને 10,000 રૂપિયા ચુકવવાનો હુકમ કર્યો છે. વકીલ પરાશરે પત્નીનાં ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે છોકરો (પુત્ર) તેનો જૈવિક પુત્ર નથી. ફેમિલી કોર્ટે જોકે ડીએનએ પરીક્ષણ માટે તેની અરજી ફગાવી દીધી હતી.