સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક મહિનાની અંદર પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓના કાર્યાલયોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત સ્થાપિત કરવા માટેના તેના નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારોને 29 માર્ચ સુધીમાં તેના આદેશના અમલીકરણ અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. આદેશનું પાલન નહીં થાય તો સંબંધિત અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપી હતી.
સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, "જો નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે, તો અમે કેન્દ્રીય ગૃહ સચિવ અને સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવો અને ગૃહ સચિવો સામે જરૂરી પગલાં લેવાની ફરજ પાડીશું."
સુપ્રીમ કોર્ટે 2020માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિતની તપાસ એજન્સીઓની ઑફિસમાં CCTV કૅમેરા અને રેકોર્ડિંગ સાધનો લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ એજન્સીઓ પૂછપરછ કરે છે અને ધરપકડની સત્તા ધરાવે છે.
સિનિયર એડવોકેટે કરી હતી અપીલ
સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ દવે, આ મામલામાં એમિકસ ક્યુરીએ રજૂઆત કરી હતી કે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અગાઉના નિર્દેશો મુજબ રિપોર્ટ ફાઇલ કરવાના બાકી છે. કોર્ટે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે 6 અઠવાડિયાનો સમય નક્કી કર્યો હતો.
સુપ્રીમ કોર્ટનું કડક વલણ
સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનમાં તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, મુખ્ય દરવાજા, લોક-અપ, કોરિડોર, લોબી અને રિસેપ્શન તેમજ બહારના લોક-અપ રૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે. જેથી કોઈ પણ ભાગ કેમેરાની નજરથી બચી ન જાય.