ગુજરાતને હચમચાવી નાખનારા 2002ના કોમી તોફાનોને કોણ ભુલી શકે?. હવે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લેતા તોફાનો સાથે સંકળાયેલા તમામ કેસ બંધ કરવાનો હુકમ કર્યો છે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની બેન્ચે કેસ બંધ કરવાનો હુકમ આપતા કહ્યું કે 'આટલા લાંબા સમય બાદ હવે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી'. રાજ્યના તોફાનો સાથે જોડાયેલી એક અરજી સુપ્રીમમાં દાખલ કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, ગુજરાતના તોફાનો સાથે જોડાયેલા 9માંથી 8 કેસમાં નીચલી અદાલત ચુકાદો સંભળાવી ચૂકી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નરોડા પાટીયા સાથે જોડાયેલા કેસની સુનાવણી હજુ પણ ચાલી રહી છે.
ઝાકિયા જાફરીની અરજી સુપ્રીમ ફગાવી ચુકી છે
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપનાર SIT સામે ઝાકિયા જાફરીએ સુપ્રીમ એક અરજી દાખલ કરી હતી. 24 જૂને ઝાકિયાએ PM મોદી સામે કરેલી અરજીને સુપ્રીમે ફગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા કહ્યું હતું કે, ઝાકિયાની અરજીમાં મેરિટ નથી.
ગોધરાકાંડ બાદ ફાટી નિકળ્યા હતા રમખાણો
રાજ્યમાં 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર S-6ને જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 યાત્રિકોના મોત થયા હતાં. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતાં અને સમગ્ર રાજ્યમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતાં. આ કોમી રમખાણોમાં હજારો લોકોના મોત થયા હતા. આ કોમી હિંસા અને હુલ્લડો જૂન મહિનાના મધ્ય સુધી ચાલ્યા હતાં.