દેશના સાત રાજ્યોની હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસની નિમણૂક માટે સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને આ ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સુનીતા અગ્રવાલની ભલામણ કરી છે. તે ઉપરાંત કોલેજિયમે બુધવારે બોમ્બે, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરી છે.
કોણ છે સુનિતા અગ્રવાલ?
ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટને આ બીજા મહિલા ચીફ જસ્ટિસ મળે તેવી સંભાવના રહેલી છે. સુનિતા અગ્રવાલ અલાહાબાદ હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. 21 નવેમ્બર, 2011માં તેઓ અલાહાબાદ હાઇકોર્ટમાં જજ બન્યા હતા, તેઓ ત્યાંના સૌથી સિનિયર જજ હતા. હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ છે. તેઓની નિમણૂક કરવામાં આવે તો ગુજરાત રાજ્યના બીજા મહિલા ચીફ જસ્ટિસ હશે. તો વર્તમાન ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે.
આ રાજ્યોને પણ મળશે ચીફ જસ્ટીસ
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેરળ, ઓડિશા, મણિપુર, આંધ્રપ્રદેશ, બોમ્બે, તેલંગાણા હાઈકોર્ટ માટે પણ મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની ભલામણ કરી છે. જેમ કે કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આશિષ જે દેસાઈની ભલામણ કરવામાં આવી છે. જ્યારે ઓરિસ્સા હાઈકોર્ટ માટેસુભાસીસ તાલપાત્રા, મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલ, જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની બોમ્બે હાઈકોર્ટ માટે, તેલંગાણા હાઈકોર્ટ માટે જસ્ટિસ આલોક આરાધે, ધીરજ સિંહ ઠાકુરની આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે ભલામણ કરવામાં આવી છે.