સુપ્રીમ કોર્ટે બળજબરીપુર્વક થતાં ધર્માંતરણ પર ખૂબ જ કડક ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે બળજબરીથી થતું ધર્મ પરિવર્તન એ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તેમણે કહ્યું કે તેનાથી દેશની સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતા પર પણ અસર પડે છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે તે બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે શું કરી રહી છે. આ સાથે ગેરકાયદે ધર્માંતરણ પર કાયદો બનાવવાની માંગ અંગે 22 નવેમ્બર સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે. આ કેસમાં સુનાવણીની આગામી તારીખ 28 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.
કેન્દ્રએ એફિડેવિટ ફાઇલ કરવી પડશે
સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલા ધર્મ પરિવર્તન વિશે વાત કરી. આ સાથે જ સરકારને પૂછ્યું કે તે આવા કેસમાં શું પગલા લઈ રહી છે. સોલિસિટર જનરલે એમ પણ કહ્યું કે રાજ્યો પાસે આ મામલે કાયદો હોઈ શકે છે. પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે કેન્દ્ર આ મામલે શું કરી રહ્યું છે. બેંચે બળજબરીથી ધર્માંતરણ સામે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા 22 પગલાંની વિગતો આપતું એફિડેવિટ માંગ્યું છે.