પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના દોષિત સામે દેશની સર્વોચ્ચ અદાલતે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. સુપ્રીમ કોર્ટે 1995માં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના દોષિત બલવંત સિંહ રાજોઆનાને આપવામાં આવેલી ફાંસીની સજામાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો છે. અરજીમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે સક્ષમ અધિકારીઓને રાજોઆનાની દયાની અરજી પર જરૂરિયાત મુજબ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.
રાજોઆનાએ કરી હતી કમ્યુટેશન અરજી
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજોઆનાએ 26 વર્ષની લાંબી કેદના આધારે તેની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરી હતી. સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે 2 મેના રોજ કેન્દ્રને રાજોઆના દ્વારા દાખલ કરાયેલ કમ્યુટેશન અરજી પર બે મહિનામાં નિર્ણય લેવા જણાવ્યું હતું. જોકે, ગયા વર્ષે 28 સપ્ટેમ્બરે કેન્દ્ર તરફથી કોઈ નિર્ણય ન આવતાં સુપ્રીમ કોર્ટે મામલો પોતાના હાથમાં લીધો હતો.