ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ એકબાદ એક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. કોંગ્રેસનો સાથ છોડી અનેક નેતાઓ ભાજપ અથવા આપમાં જઈ રહ્યા છે તો ભાજપમાંથી પણ અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આવી સ્થિતિ આમ આદમી પાર્ટીમાં પણ જોવા મળી રહી છે. ત્યારે ચૂંટણી સમયે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. કારણ કે સુખરામ રાઠવાના જમાઈ રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે સુખરામ રાઠવા પણ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.
કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો
ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે, કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અનેક નેતાઓને ટિકિટ ન મળતા તેઓ પાર્ટીથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ ચૂંટણી સમયે જ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. ત્યારે ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા ગમે તે ક્ષણે ભાજપમાં જોડાઈ શકે છે.
જમાઈને સમર્થન આપવા જોડાઈ શકે છે ભાજપમાં
કોંગ્રેસે ગઈ કાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, આ સમય દરમિયાન અનેક નેતાઓ હાજર હતા પરંતુ વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાની ગેરહાજરી દેખાતી હતી. આવા સમયે તેમની ગેરહાજરીથી અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે અને અટકળોના બજારોમાં એવી વાતો વહેતી થઈ રહી છે કે સુખરામ રાઠવા પણ કેસરિયો ધારણ કરવાના છે. કારણ કે તેમના જમાઈ અને છોટા ઉદેપુરના દિગ્ગજ નેતાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે. રાજેન્દ્ર રાઠવાએ પણ થોડા સમય પહેલા જ કેસરિયો ધારણ કર્યો હતો આને કારણે એવી વાત વહેતી થઈ રહી છે કે જમાઈને સાથ આપવા તે પણ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે તે સાચે ભાજપમાં જોડાવાના છે કે આ વાતો માત્ર અફવા છે તે આવનાર સમયમાં ખબર પડશે.